ગાંધીધામ તાલુકો હાલ કોરોના મુકત બન્યો

ગાંધીધામ તાલુકો હાલ કોરોના મુકત બન્યો
ગાંધીધામ, તા. 30 :આદિપુરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાનો શિકાર બનેલા ગાંધીધામના યુવાન સ્વસ્થ બનતા તેને રજા અપાઈ હતી .ગાંધીધામ તાલુકાના પાંચ દર્દીઓ  કોરોના સામે જંગ જીતી જતાં તાલુકો કોરોનામુકત બન્યો હતો. કોરોના સામેની લડતમાં લોકોએ રોગપ્રતિકારક શકિત વધારવા સાથે  જરૂરી આરોગ્યલક્ષી તકેદારી રાખવા તબીબોએ અનુરોધ કર્યો હતો.ગાંધીધામમાં  તા.16/5 થી  20/5 સુધીમાં  કોરોના પ પોઝીટીવ કેસો નોંધાયા હતા. આજે  લીલાશાહ નગરના  યુવાને કોરોનાને હરાવતા તેને આદિપુરની હરિ ઓમ કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.ગાંધીધામ તાલુકાના તમામ દર્દીઓને રજા અપાતા આ વિસ્તાર કોરોના મુકત બન્યો હતો.સામાજિક અંતર જાળવવા, બિનજરૂરી બહાર ન નીકળવા, માસ્ક પહેરવાનો આગ્રહ રાખવા,ભીડ ભાડ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા,જયાં ત્યાં ન થૂંકવા,વારંવાર સાબુથી હાથ ધોવા તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરી કોરોનાને અટકાવી શકાય છે. રોગ પ્રતિકારક શકિત વધારવા અર્થે  પૂરતો ખોરાક અને પૂરતો આરામ,શારીરિક  અને માનસિક આરામ  કરવો જોઈએ. ભોજનમાં કઠોળ, શાકભાજી, સલાડ, ફળો, લીંબુનો ઉપયોગ વધારવો જોઈએ. થોડા -થોડા સમયના અંતરે ગરમ પાણીમાં મીઠું અને  હળદર નાખી કોગળા  કરવા તબીબોએ અપીલ  કરી હતી.તાલુકાના આરોગ્ય તંત્ર ધ્વારા  12 હજારથી વધુ શ્રમિકોનું ક્રીનીંગ, 10 હજારથી વધુ લોકોને હેલ્થ કાર્ડ, 9760 લોકોને હોમ કવોરેન્ટાઈન, 1211 લોકોને સંસ્થાકીય એકાંતવાસમાં રખાયા હતા. એકાંતવાસમાં રખાયેલા  લોકોની  આરોગ્ય કર્મચારી ધ્વારા નિયમીત  તપાસ હાથ ધરાય છે. આજે સાજા થયેલા દર્દીને આરોગ્ય કેન્દ્રમાંથી રજા આપતી વેળાએ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા, જુની હરિઓમ હોસ્પિટલના  ડો.પાયલ કલ્યાણી, ડો. ભાવિન ઠકકર, સહિતના હાજર રહ્યા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer