સદાય પ્રવાસીઓથી ધમધમતા માંડવીના બીચને કોરોના કહેરે કોરો કરી નાખ્યો

સદાય પ્રવાસીઓથી ધમધમતા માંડવીના બીચને કોરોના કહેરે કોરો કરી નાખ્યો
કાઠડા (તા. માંડવી), તા. 30 : પ્રવાસન વિકસે, સ્થાનિકોને ધંધા-રોજગાર મળે તે માટે માંડવીના દરિયાકાંઠે ટેન્ટ સિટી, બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, પરંતુ હાલમાં કોરોના વાયરસથી બચવા લોકડાઉન, વધુ ભીડથી દૂર રહેવા, શાળા કોલેજો, મોલ વગેરે બંધ રખાતાં પ્રવાસીઓથી કાયમી ધમધમતો માંડવી દરિયાકાંઠો સૂમસામ ભાસે છે અને દરિયાકાંઠે ધંધા-રોજગાર કરતા સ્થાનિકો પણ આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા ટેન્ટ સિટીના મેનેજર શશાંકભાઈ (દિલ્હી)નો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, 13/02થી 13/04 સુધી ચાલનારા બીચ ફેસ્ટિવલને વધુ વેગ આપવા ભુજ, અંજાર, ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં બેનરો લગાવાયા હતા અને રોડ શો પણ કરાયા હતા, પરંતુ કોરોના વાયરસના લીધે 50 ટેન્ટમાંથી માત્ર 6થી 7 ટેન્ટ જ બુક કરાયા હતા. જેમાં વિદેશી પ્રવાસી કોઈ જ ન હતા. આ ટેન્ટ શરૂ કરાયા બાદ થોડાક જ દિવસો બાદ લોકડાઉન આવી જતાં તેનો સંકેલો કરવો પડયો. જો આવતા વર્ષ કોરોના ચાલ્યો જશે તો વધુ વિકાસ થાય તે માટે પૂરતા પ્રયાસ કરાશે. હજી વિકાસ માટે અહીં રણ ઉત્સવ, ભુજોડી સાથે અહીં પણ અવનવા સ્ટોલ ઊભા કરાય, પ્રવાસીઓને આકર્ષવા કાર્યક્રમોનું આયોજન કરાય તો માંડવીના દરિયા તથા અહીંના ધંધા-રોજગાર ફરીથી વિકસવા માંડશે. તો અહીં ઊંટ, ઘોડા, જેકેટ, બાઈક, દરિયાઈ રમતો, બોટ, ખાણીપીણી વગેરે અનેક ધંધાર્થીઓને હાલમાં તો ઘરે રહેવાનો જ વારો આવ્યો છે અને હજી પણ આ બધું ક્યારે શરૂ થઈ શકે, કેટલો સમય નીકળી શકે ત્યારે કોરોનાએ તેમને કોરો કરી નાખ્યા હોવાનું કહ્યું હતું. હાલમાં માંડવીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ છે અને ત્યાં મંજૂરી વગર જવું પણ મુશ્કેલ છે. ત્યારે કાયમ ધમધમતો માંડવીનો દરિયાકાંઠો ફરીથી ધમધમે, ધંધા-રોજગાર વિકસે તેના માટે આવા અનેક ધંધાર્થીઓ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે અને ફરીથી એ સમય જરૂર આવશે, માત્રને માત્ર રાહ જોવી જ રહી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer