રાપરના લોકો પાણી કરકસરથી વાપરે

રાપરના લોકો પાણી કરકસરથી વાપરે
રાપર, તા. 30 : શહેરમાં પાણીની સમસ્યા ઘેરી બનતાં પાણી પુરવઠો જાળવી રાખવા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે છ બોર બનાવ્યા છે જેમાંથી અંદાજિત દસ લાખ લિટર પાણી મેળવાઇ રહ્યું છે. આ પાણી પૂરતું કે પીવાલાયક નથી. તાંત્રિક-યાંત્રિક ખામીનાં લીધે આવી પડેલી આ પરિસ્થિતિમાં પાણી કરકસરપૂર્વક વાપરવા નગર-પાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે. તો જૂન સુધી નર્મદા કેનાલનું પાણી મળવાની ખાતરી મળી છે. શહેરમાં પાણીની તંગીને લઇને ગઇકાલે જ આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઇ અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત 50થી 60 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ પોલીસ મથકે ગુનો નોંધાયાની ઘટના ટોક ઓફ ટાઉન બની છે તે વચ્ચે નગરપાલિકાના શાસક પક્ષ તરફથી આ પાણી સમસ્યા નિવારવા માટે થતા પ્રયત્નો અંગેની માહિતી અપાઇ છે. પાંત્રીસ હજારની વસ્તી ધરાવતા રાપર માટે નર્મદા કેનાલ આધારિત પા.પુ. યોજના બનાવવામાં આવી છે. નગર પાલિકા દ્વારા કેનાલ બંધ રહે તે દરમ્યાન નગાસર તળાવના સ્ટોરેજમાં બે માસ ચાલે તેટલો જથ્થો રાખવામાં આવ્યો છે જે એપ્રિલ-મે માસમાં પૂરતા પ્રમાણમાં આપવામાં આવેલો હતો. નર્મદા કેનાલ રાધનપુર વિભાગમાં 56 કિ.મી. તેમજ 64 કિ.મી. તેમજ રાપર (નંદાસર) 131 ઉપર બ્રિજનું કામ ચાલુ છે. જેના કારણે હાલે નર્મદા કેનાલમાં પાણી છોડી શકાયું નથી. આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખી રાપર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે છ બોર બનાવવામાં આવેલા છે. જેમાંથી અંદાજિત દસ લાખ લિટર પાણી મેળવાઇ રહ્યું છે. જે પાણી પૂરતું કે પીવાલાયક નથી.જૂન-જુલાઇમાં પાણીની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રાપર નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન સિયારિયા, ઉ.પ્રમુખ હઠુભા સોઢા, શાસક પક્ષના નેતા બળવંતભાઇ ઠક્કર, કા. ચેરમેન કાનીબેન પીરાણા દ્વારા કેનાલ શરૂ ન થાય તે દરમ્યાન રાપરને સામખિયાળી સમ્પથી પીવાના પાણીનો પુરવઠો જળવાઇ રહે તે માટે પા.પુ. મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીર, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પા.પુ. બોર્ડના કાર્યપાલક ઇજનેર ભચાઉ સમક્ષ મૌખિક-લેખિત રજૂઆતો કરાઇ છે.પા.પુ. બોર્ડના અધિકારીઓ દ્વારા સામખિયાળી સમ્પથી અઠવાડિયામાં બે વખત પાંચ એમ.એલ.ડી. પાણી ફાળવવાની ખાતરી અપાઇ છે. શહેરનો પાણી પુરવઠો જળવાઇ રહે તે માટે નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરાઇ રહ્યા છે અને લોકોને ઓછામાં ઓછી પાણીની તકલીફ પડે તેનું ધ્યાન રખાઇ રહ્યું છે. છતાં તાંત્રિક કે યાંત્રિક ખામી કે કોઇ અન્ય કારણોસર વિક્ષેપ થઇ શકે તેમજ કેનાલ દ્વારા પાણી જૂન સુધીમાં મળવાની શક્યતા છે. ત્યારે પાણીનો વપરાશ કરકસરપૂર્વક કરવા નગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer