પાવરગ્રીડના શ્રમિકોની વતન વાપસીની માંગ સંતોષાઇ

પાવરગ્રીડના શ્રમિકોની વતન વાપસીની માંગ સંતોષાઇ
નિરોણા (તા. નખત્રાણા), તા. 30 : પાવરપટ્ટીના પાલનપુર નજીક કેન્દ્ર સરકારના પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના પાવર પ્રોજેક્ટમાં મજૂરીકામ માટે આવેલા 90 પરપ્રાંતીય શ્રમિકોની  આજે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની હાજરી વચ્ચે વતન વાપસી કરાતાં શ્રમિકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. જોકે, લોકડાઉન દરમ્યાન દોઢ માસનું વેતન ન મળ્યું હોવાની ફરિયાદ સાથે વતનની વાટ પકડી હતી. ભારત સરકારના સૌથી મોટા ગણાતા ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ 765 કે.વી. પાવરગ્રીડ કંપનીમાં છેલ્લા બે-અઢી વર્ષોથી બાંધકામ અને અન્ય વીજ માળખાંને  લગતી કામગીરીમાં મોટાભાગના પરપ્રાંતીય ?શ્રમિકો રોકાયેલા છે. એન.જી. ગેડિયા અને પ્રિસાઇન્સ પાવર નામની  પેટા કંપનીઓના ઠેકેદારો  રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર સહિતનાં  રાજ્યમાંથી શ્રમિકોને અહીં લાવ્યા હતા અને પ્રોજેક્ટ આસપાસના ખેતરોમાં પતરાંના શેડમાં રાખી મજૂરી કરાવી રહ્યા હતા. મહામારીથી ડરી ગયેલા આ શ્રમિકો પોતાની વતન વાપસીની ઠેકેદારો પાસે વારંવાર માંગ કરી રહ્યા હતા. ઠેકેદારોએ  બંધ કામકાજના  સમયગાળાની મજૂરી અને રાશન પૂરો પાડવાના આશ્વાસન બાદ આ શ્રમિકો ઠરીઠામ થયા હતા.દરમ્યાન આજે સવારે એસટી નિગમની ત્રણેક બસોમાં  આ શ્રમિકોને ભુજ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. નખત્રાણા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જે. આર. ભોવા, રેવેન્યૂ તલાટી આકાશ પટેલ, સંજય રબારી, નિરોણા તલાટી હિતેશ પ્રજાપતિ વગેરે  90 જેટલા શ્રમિકોની પરમિશનને લગતી કામગીરી કર્યા બાદ નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એચ. ઝાલાની આગેવાની તળે આ શ્રમિકોને સામાજિક અંતરના ડાયરામાં બસોમાં ચડાવવામાં આવ્યા હતા. આ શ્રમિકોને  રસ્તામાં નાસ્તા માટે સતપંથ પ્રેરણાપીઠ ધામ પીરાણા તરફથી ખાસ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વતન વાપસી કરી રહેલા આ શ્રમિકોએ બસોમાં ગોઠવાયા પછી કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પેટા કંપનીના ઠેકેદારો દ્વારા લોકડાઉનના બંધ સમયગાળાનો પગાર આપવાનો વાયદો છતાં માર્ચ માસનો અડધો અને એપ્રિલ આખા માસનો પગાર ન ચૂકવાયો હોવાનો રંજ વ્યકત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer