નવીનાળના ત્રણ અને ધાણેટીના એક દર્દીને રજા

નવીનાળના ત્રણ અને ધાણેટીના એક દર્દીને રજા
મુંદરા, તા. 30 : ગત 19મી મેના જિલ્લામાં એકસાથે નોંધાયેલા 21 જેટલા કોરોના પોઝિટિવ કેસ પૈકીના તાલુકાના નવીનાળના ત્રણ દર્દી સ્વસ્થ થતાં મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી અને જી.કે. જનરલમાં દાખલ ધાણેટીના 24 વર્ષીય ભાવિકાબેન વિપુલભાઈ સંધા  સ્વસ્થ થતાં હોસ્પિટલ સ્ટાફે વિદાય આપી હતી. આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી સાજા થયેલા ત્રણ દર્દીને ઘેર મોકલાયા હતા. આમ કચ્છમાં આજે કુલ પાંચ દર્દી કોરોનામુક્ત થતાં હોસ્પિટલોએ વિદાય આપી હતી.મુંદરાની કપાયા રોડ પર આવેલી એલાયન્સ હોસ્પિટલ ખાતેથી આજે નવીનાળ, તા. મુંદરાના 3 દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના ડો. મગનભાઈ ચૌધરીએ કચ્છમિત્રને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સૂરજબા બચુભાઈ ચાવડા, રૂપસિંહ હાનાજી ચાવડા અને પૂનમબા ચાવડા ગત 19/5ના દાખલ થયા હતા અને આજે બપોરે રજા આપવામાં આવી હતી. ત્રણેય દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ છે. જ્યારે દર્દીઓએ પણ સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. હવે હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અગાઉ 1 દર્દી ઓક્સિજન પર હતા તેને પણ ઓક્સિજન બંધ કરાયો છે અને સ્થિતિ સુધરી છે. સ્વસ્થ થતા દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી. તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર કરતા સ્ટાફની પીઠ થાબડવામાં આવી હતી. ડો. પૂજા ગોસ્વામી, ડો. નિકુંજ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ગિરિવર બારિયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયા તથા એલાયન્સ હોસ્પિટલના અન્ય તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer