નંદાસર પાસે પુલનું કામ સત્વરે પૂર્ણ કરી નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ

નંદાસર પાસે પુલનું કામ સત્વરે પૂર્ણ કરી નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ
ભચાઉ, તા. 30 : કચ્છ બ્રાન્ચ કેનાલની સાંકળ નંબર 131 ઉપર આવેલા પુલનું કામ સત્વરે પૂર્ણ કરી નહેરમાં પાણી છોડવા મુદ્દે કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા ચીફ ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ ભચાઉ તા.ના ખેડૂતો દ્વારા ચોમાસુ પાકનું વાવેતર શરૂ કરી દેવાયું છે અને એક અંદાજ મુજબ માત્ર ભચાઉ તા.માં કપાસ 2500 હેક્ટર, મગફળી 2000 હેક્ટર તેમજ પશુધન માટેનો ઘાસચારો અંદાજિત 38500 હેક્ટરમાં કરાશે. આગામી થોડા દિવસોમાં આ પાકોને તથા ખેડૂતોને આર્થિક નુકસાનીથી બચાવવા નર્મદા નહેરમાં પાણી છોડવું અનિવાર્ય બની જશે. ઉપરાંત રાપર શહેર તેમજ તાલુકાના મોટા ભાગના ગામો તેમજ ભચાઉ શહેરનો અમુક ભાગ અને તાલુકાના નહેરની આસપાસના ગામોનો પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. સંઘની ટીમ દ્વારા નંદાસર ખાતે પુલ નિર્માણ કાર્યની સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું કે કામ ગોકળગાયની ગતિથી થતું હોવાથી 30 જૂન સુધી પાણી છોડવાની સંભાવના નહિવત છે. જેથી આધુનિક મશીનરી તેમજ વધુ માનવબળનો ઉપયોગ કરી આગામી 30 જૂન સુધી પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ કરાય તેમજ સાંકળ નંબર 82થી 189 સુધી ગત ચોમાસામાં નહેરની લાઇનને થયેલી નુકસાનીને પણ સાથે સાથે રિપેર કરાય ત્યારબાદ પાણી છોડવામાં આવે, જેથી રાપર અને ભચાઉ તા.ના લોકોની સિંચાઇ તેમજ પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તેવી રજૂઆત કરતાં હકારાત્મક પ્રતિસાદ સાંપડયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer