અમાદે ચાવાર જોનનો ભાલો.. ધોન્યબાદ

અમાદે ચાવાર જોનનો ભાલો.. ધોન્યબાદ
ભુજ, તા. 30 : આજરોજ ભુજ ખાતેથી 1650 મુસાફરો લઇને ભુજ-મિદનાપુર શ્રમિક સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ બંગાળના મિદનાપુર ખાતે રવાના કરવામાં આવી હતી. લોકડાઉન-4માં મળેલી શરતી છૂટછાટોના ભાગરૂપે સરકારની ગાઇડલાઇન મુજબ જિલ્લા વહીવટી તંત્ર, રેલવે અને પોલીસ તેમજ સિવિલ ડિફેન્સ અને સંસ્થાઓ દ્વારા વિવિધ સહકાર આપી શ્રમિકોને વતન ભણી વિદાય કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, માંડવી, નખત્રાણા, ભુજના વિવિધ સ્થળોએથી કુલ 18 બસો દ્વારા શ્રમિકોને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યા હતા તેમજ વતન સુધી વિનામૂલ્યે મુસાફરી અને ખાણી-પીણીની વ્યવસ્થા સાથે સૌને વિદાય કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિર, ભુજ અને જૈન સમાજ માધાપરના તેરા તુજકો અર્પણ અભિયાન સંસ્થા અને સરકાર દ્વારા સૂકો નાસ્તો, મિષ્ટાનન્ન,  માસ્ક અને પાણીની બોટલો મુસાફરોને આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ભુજના કોઠારી સ્વામી તેમજ સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. ભાજપ અગ્રણી દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભારતની કુલ 35 ટકા જેટલા શ્રમિકોની ખાસ ટ્રેન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છમાંથી 40 હજાર  શ્રમિકોને વતન પરત મોકલવાની વ્યવસ્થા થઇ છે  તેમજ શ્રમિકો પોતાના વતનમાં પોતાના પરિવારને મળી અને ફરીથી જલદી પાછા ફરે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેરા તુજકો અર્પણ અભિયાનના પ્રમુખ હિતેશભાઈ ખંડોર દ્વારા ફૂડ પેકેટ તેમજ માસ્ક અર્પણ કરાયા હતા.`અમાદે ચાવાર જોનનો ભાલા... ગુજરાત સોરકાર કે અનેકોનેક ધોન્યવાદ', એમ રાજય સરકારનો આભાર માનતા પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના જોય ક્રિષ્નાપુરના ગૃહિણી ક્રિષ્નાબેરા વધુ જણાવે છે કે, `ભુજ રહી અમે ભરતકામ કરી ભરણપોષણ કરીએ છીએ, ત્યારે લોકડાઉનમાં અમને વતન પહોંચાડવા બદલ અમે ગુજરાત સરકારના ઘણા આભારી છીએ. અમે સોમવાર સુધી હાવડા પહોંચીશું ત્યાં સુધી નાસ્તા, પાણી અને કોરોના માટેની સાવચેતીની જરૂરિયાત જેવા કે માસ્ક, પાસ, તબીબી સર્ટિ. વગેરે આપી અમને સરકારે સરળતા કરી આપી છે.' તો યાત્રીઓને સર-સામાન ઊંચકવા અને સીટ સુધી પહોંચાડવામાં તેમજ કિટ વિતરણની વ્યવસ્થામાં જોડાયેલા સિવિલ ડિફેન્સના ચિરાગ ભટૃ, જગદીશ ઠક્કર, અરુણ જોશી, ધર્મેશ જોશી, નાયબ મામલતદાર રમેશભાઇ ખાંભલા પણ `હું પણ કોરોના વોરિયર'ની જેમ કામ કરતા જોવા મળ્યા હતા.આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો કોઠારી સ્વામી, સુખદેવ સ્વામી, દિવ્યસ્વરૂપ સ્વામી, પરમેશ્વર સ્વામી, મહેન્દ્રભાઈ પરમાર, ધનજીભાઈ ભુવા, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ નવીનભાઈ લાલન, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રામભાઈ ગઢવી, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિ તેમજ વહીવટી તંત્ર, રેલવે, બી.એસ.એફ. અને પોલીસ તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.દરમ્યાન ગાંધીધામથી આજે  આસામ અને ઓરિસ્સાની  શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 2100 જેટલા શ્રમિકને વિદાય આપવામાં આવી હતી.રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે 11 વાગ્યે ગાંધીધામથી દીબ્રુગઢ (આસામ)ની ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેનમાં 1600 શ્રમિકે વતન વાપસી કરી હતી. ગાંધીધામથી આસામની બીજી  ટ્રેન રવાના થઈ હતી. સાંજે 8 વાગ્યે ગાંધીધામથી ઓરિસ્સાની ટ્રેનમાં 500 જેટલા પ્રવાસીઓએ વતનની વાટ પકડી હતી. તમામ પ્રવાસીઓ માટે  સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી ફૂડપેકેટ અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. રેલવે પ્રશાસન અને વહીવટી તંત્રના અધિકારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer