અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં સેવા આપતી ભુજની તબીબ યુવતી

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં સેવા આપતી ભુજની તબીબ યુવતી
ભુજ, તા. 30 : કોવિડ-19 મહામારીનો વ્યાપ સમગ્ર દેશમાં વધવાની સાથે ગુજરાતમાં પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે ત્યારે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથે સાથે ડોકટર્સની પણ તંગી ઊભી થાય તેવો ભય સેવાઈ રહ્યો છે. આવા સંજોગોમાં કચ્છના અનેક યુવક-યુવતીઓ ગુજરાત અને દેશના વિવિધ ભાગમાં ડોકટર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે, કચ્છમિત્ર આવા યુવા વોરિયર્સની ગૌરવ સાથે નોંધ લઇ તેમને બિરદાવે છે. ભુજની આવી એક યુવતી એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કરી, છેલ્લા ત્રણેક મહિનાથી અમદાવાદના હોટસ્પોટ વિસ્તાર બહેરામપુરામાં અવિરત સેવા આપી રહી છે. શિક્ષક દંપતી હંસા અને પ્રકાશ ઠક્કરની પુત્રી ડો. શ્રુતિએ ગત ફેબ્રુઆરીમાં અમદાવાદની એલ.જી. હોસ્પિટલ સાથે સંલગ્ન મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ત્યાં જ ઈન્ટર્ન ડોકટર તરીકે જોડાઈ ગઈ. આરોગ્ય વિભાગના આદેશ અનુસાર ડો. શ્રુતિ બહેરામપુરા યુ.એચ.સી.માં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું અને એક મહિના માટેની ફરજ ત્રણ મહિના સુધી લંબાઈ ગઈ તો પણ, અનેક અગવડો અને પોતાને સંક્રમણ થવાના ભય વચ્ચે થાક કે કંટાળા વગર પોતાનું કામ કર્યે જાય છે. કચ્છમિત્ર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડો. શ્રુતિએ જણાવ્યું કે, પોતાનું કામ પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવું એ શીખ તેને દાદા તરફથી મળી છે અને તેના પરિવારના બીજા 10 ડોકટર્સ આ કપરા સમયમાં એક પણ દિવસના બ્રેક વગર સેવા આપે જ છે એટલે પોતે પણ આવી ફરજ બજાવવા માનસિક રીતે તૈયાર જ હતી. અલબત્ત, બહેરામપુરા જેવા હોટસ્પોટ વિસ્તાર કે જ્યાંથી અસંખ્ય પોઝિટિવ કેસ આવ્યા છે, ત્યાં દરરોજ ત્રણસોથી ચારસો દરદીઓને તપાસીને દવા આપવી, શંકાસ્પદ દરદીઓને કોરોના ટેસ્ટ માટે મોકલવા, સેમ્પલ લેવા આ બધું કામ કરતા ડોકટરને ખુદ સંક્રમિત થઈ જવાનો ડર અવશ્ય ઊભો કરે અને એવું બની પણ શકે કારણ કે, ડોકટરને ખબર જ નથી કે તેની પાસે આવતા અસંખ્ય દરદીઓમાંથી કયા અને કેટલા દરદી પોઝિટિવ હશે. ડો. શ્રુતિએ જણાવ્યું કે  પોતાને દરરોજ સર્જિકલ માસ્ક, હેન્ડગ્લોવ્સ, ફેસશિલ્ડ, ફૂલ બોડી કવર સૂટ, સેનિટાઈઝર્સ વગેરે તમામ પ્રોટેક્ટિવ ગીયર્સ પહેલા દિવસથી જ નિયમિત મળતા રહ્યા છે અને દરદીઓ માટે પણ હેન્ડ સેનિટાઈઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય હોવાથી સંક્રમણના ખતરાને ઓછો કરી શકાય છે. વ્યકિતગત મુશ્કેલીઓ વિષે પૂછતાં ડો. શ્રુતિએ ભાવુકતાથી જણાવ્યું કે, પોતે હાલ પોતાની અન્ય બે ડોકટર બહેનપણીઓ સાથે મણિનગર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહે છે, લોકડાઉનના સમયમાં, અમદાવાદની ગરમીમાં પી. પી. ઈ. સૂટ પહેરીને ચાર - પાંચ કલાક કામ કરવાનું, વચ્ચે પાણી પણ ન પી શકાય અને ત્યારબાદ ઘેર જઈને રસોઈ બનાવવી એ ખૂબ કંટાળાજનક હતું પરંતુ તેમના પડોશીઓએ ખૂબ કાળજી લીધી અને આગ્રહ કરીને ઘણી વખત તેમને જમાડ્યા પણ ખરા. ભવિષ્યમાં  પોતાના બે ભાઈઓ અને એક ભાભીની જેમ જ ઈન્ટરનલ મેડિસીનમાં એમ.ડી. કરી, કચ્છમાં જ રહી કચ્છના લોકોની સેવા કરવાની કાકાએ શરૂ કરેલી પરંપરા જાળવી રાખવા માગે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer