ભીમાસરે શ્રમજીવીઓને સહાય કરી

ભીમાસરે શ્રમજીવીઓને સહાય કરી
ભીમાસર (તા. રાપર), તા. 30 : છેલ્લા 20 વર્ષથી રવી સિઝનમાં ભીમાસર ગામે કપાસ, ઘઉં, શાક જીરુંની મજૂરી કરવા હરિયાણા, રાજસ્થાન અને પંજાબના શ્રમજીવી પરિવાર સાથે આવે છે.  આ વર્ષે પણ ભીમાસરના વાડીવિસ્તારમાં કોરોના મહામારી લોકડાઉન અગાઉ બે માસ પહેલાં 66 મજૂરો આવ્યા હતા. જે લોકડાઉનના લીધે મજૂરી ધંધા બંધ હોવાથી કામકાજ વિના બેકાર બેસી રહ્યા હતા. તેમના પાસે વતન જવા ખાનગી બસનાં ભાડાં ખર્ચની પૂરતી રકમ ન હોવાથી ચિંતામાં ગરકાવ હતા.આ મજૂરો સાથેના આગેવાનોએ ભીમાસર તલાટી મંત્રી તેમજ સરપંચનો સંપર્ક કરી આપવિતી વર્ણવતાં તે રાપર તાલુકા વિકાસ અધિકારી ડી.જે. ચાવડાને જણાવતાં તેમણે માર્ગદર્શન આપતાં તલાટી નરેશભાઈ બાદલપુરીઆએ સરપંચ સંકેતકુમાર રાજપૂત, ઉપસરપંચ કાંતિલાલ મકવાણા અને આગેવાનોને વાત કરતાં તમામે માનવતાના ધોરણે લોકફાળો આપવાનું નક્કી કરતાં રૂા. 65000 રોકડા એકઠા થયા હતા. તલાટીએ ઓનલાઈન એન્ટ્રી કરાવી, મામલતદાર કચેરીના સહયોગથી બે લકઝરી બસોનું આયોજન કરાતાં શ્રમજીવીઓ માદરે વતન જવા નીકળ્યા હતા. કુંભાભાઈ ચાવડા (પ્રમુખ ભીમાસર બજાર સમિતિ), કુંભાભાઈ શેલોટા (માજી સરપંચ) અને ભીમાસર યુવા ગ્રુપ વિગેરેએ સહયોગ આપ્યો હતો. તમામ પરપ્રાંતીયોનું ભીમાસર પીએચસી દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer