મદનપુરાનાં 77 વર્ષનાં માજીનો રિપોર્ટ પોઝિટિવ

ભુજ, તા. 30 : કચ્છમાં આજે કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. માંડવી તાલુકાના કોડાય પાસેના મદનપુરાના 77 વર્ષીય માજીને જી. કે.માં દાખલ કરાયાં છે, તો માંડવી તાલુકાના રત્નાપરના 62 વર્ષીય પ્રૌઢનો જી.કે.માં ક્રિટીકલ કેસ તંત્ર દ્વારા બતાવાયો છે. 33 વર્ષીય ક્રૂનો અમદાવાદની લેબનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આદિપુર દાખલ કરાયો છે, તો પાંચ કેસ સ્વસ્થ થતાં રજા અપાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ 26 કન્ટેઈનમેન્ટ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 36,015 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1060 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 90 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. અત્યાર સુધી કુલ 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 25 એક્ટિવ પોઝિટિવ કેસ છે.કચ્છમાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં કુલ 4756   જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 16,795 લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઈન અંગેની વિગતોમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6 વ્યક્તિઓ થઈ અત્યાર સુધી કુલ 282 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 46 વ્યક્તિઓ થઈ કુલ અત્યાર સુધી 471 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 54 દર્દી એડમિટ છે અને 165 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.આજે માજીનો રિપોર્ટ પોઝિટિવ કેસ આવ્યો છે, તેમના પુત્રનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, તેમની ગઈ કાલે અપાયેલી વિગતો મુજબ વેન્ટિલેટર પર સારવાર ચાલે છે.આજે ક્રિટીકલ કેસ માંડવી તાલુકાના ખીમજી એ. નાકરાણીનો તંત્રે બતાવ્યો છે. તેમના વિશે માંડવી તાલુકાના રત્નાપરના અગ્રણી મહેન્દ્રભાઈ રામાણીએ અમારા કોડાયના પ્રતિનિધિને વિગતો આપતાં જણાવ્યું કે, 62 વર્ષીય ખીમજીભાઈ તા. 16મીએ મુંબઈથી  આવ્યા છે. તા. 16મીથી ક્વોરેન્ટાઈન હતા. તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.માંડવી તાલુકાના કોડાયના પ્રતિનિધિના હેવાલ મુજબ તાલુકાના મદનપુરા ગામે વધુ એક કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં આરોગ્ય તંત્ર અને ગ્રામજનોએ તાકીદની કામગીરી હાથ ધરી હતી. ગત તા. 26ના કોરોના પોઝિટિવ આવેલા 49 વર્ષીય વ્યક્તિના માતાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 77 વર્ષીય વૃદ્ધ મહિલા મુંબઈથી આવ્યા બાદ ક્વોરેન્ટાઈન હતાં. ગઈકાલે તેમની તબિયત બગડતાં તેમને ભુજ ખસેડાયા હતા. આજે રિપોર્ટ પોઝિટિવ આવતાં એસપી. સૌરભ તોલંબિયા, પી. આઈ. શ્રી ચૌધરીએ મદનપુરા ગામની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્ય ખાતાના મંજુલાબેન, પ્રકાશ ઠક્કર, સંજય માકાણી સહિતે તકેદારીની કામગીરી હાથ ધરી હતી. મદનપુરા ગામ કોડાય ગામની નજીક આવેલું છે. કોડાયપુલ ખાતે કોઈ પણ કોરોના પોઝિટિવ નથી તેવું લોકોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer