કંડલા આવેલા જહાજના ક્રૂને કોરોના

ગાંધીધામ, તા. 30 : મુંદરા બંદરે જહાજમાં સાઈન ઓન થવા જતા મુંબઈના ક્રૂને તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે કંડલા બંદરે યુ.એ.ઈ.થી કંડલા બંદરે આવેલા જહાજના સાઈન ઓફ થયેલા ક્રૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની સાથોસાથ પોર્ટ પ્રશાસનમાં  ભારે દોડધામ થઈ પડી છે. આ અંગે મળતી વિગતો મુજબ શારજાહના ખોરફાક્કન પોર્ટથી  ભારત આવવા નીકળેલું જહાજ પ્રથમ મુંદરા બાદ કંડલા આવ્યું હતું. માર્ગદર્શિકા પ્રમાણે   જહાજમાંથી સાઈન ઓફ અને સાઈન ઓન થવા પૂર્વે કોરોનાનો રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. કંડલા બંદરે હરિયાણાના રોહતકનો રહેવાસી 33 વર્ષીય વિશાલ ગત સાંજે સાઈન ઓફ થયો હતો. તેનો અમદાવાદની લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો. તેનો રિપોર્ટ ગત મોડી રાત્રિના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ અને પોર્ટ હેલ્થ  વિભાગ હરકતમાં આવ્યો હતો.સંક્રમિત દર્દીને મોડી રાત્રિના જ આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, તેના સીધા સંપર્કમાં આવેલા 18 જણને ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.પ્રોપેલ પ્રોગ્રેસ નામનું જહાજ આજે સાંજે કંડલાથી દહેજ જવા માટે સેલ થવાનું હતું. પરંતુ હવે ક્રૂને કોરોના પોઝિટિવ આવતાં વહીવટી તંત્રએ કરેલી ચર્ચા વિચારણના અંતે જહાજને ઓટીબીમાં લઈ જવાયું હતું અને 14 દિવસ કવોરેન્ટાઈન કરાયું છે.  આ જહાજમાંથી સાઈન ઓફ  થયેલા 8 ક્રૂના રિપોર્ટ કરાવાયા હતા. જે પૈકી  7 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  જો કે, આ ક્રૂને  અન્ય દર્દીઓની માફક કોઈ લક્ષણો જણાતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં જ્યારે સ્વાઈન ફલુનો કહેર ફેલાયો હતો ત્યારે કંડલા બંદરે વિદેશી ક્રૂને  સ્વાઈન ફલુ હોવાનું કંડલા બંદરે જ જાહેર થયું હતું.  આ ક્રૂને ચેપ વિદેશથી જ લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શિપમાં કુલ 22 ક્રૂ હોવાનું પોર્ટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer