માત્ર અનુસ્નાતકની જ પરીક્ષા લેવાશે

ભુજ, તા. 30 : કોરોનાને કારણે જારી કરાયેલા લોકડાઉનના લીધે શાળા-કોલેજો બંધ કરી દેવાતાં પરીક્ષા સહિતના કાર્યો અટવાયાં હતાં, ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની માર્ગદર્શિકાને ધ્યાને લઇ કચ્છ યુનિવર્સિટીએ આગામી 25 જૂનથી માત્ર અનુસ્નાતક કથાના છાત્રોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સ્નાતક કક્ષાએ  સેમેસ્ટર-4ના છાત્રોની  પરીક્ષા લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સરળતા ખાતર અનુસ્નાતક પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મનીષ પંડયાએ આપેલી વિગતો અનુસાર લોકડાઉન અમલી બન્યું તે પૂર્વે પહેલા-ત્રીજા સેમેસ્ટર સહિતની અન્ય મહત્ત્વની પરીક્ષાઓ આટોપી લેવાઇ હતી. સ્નાતક કક્ષાએ  માત્ર સેમેસ્ટર-4 તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લેવાની બાકી હતી. શિક્ષણ વિભાગની 24 મેના મળેલી સૂચના આધારે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરાશે. કોરોના મહામારીના કારણે સાવચેતીના ભાગરૂપે અગાઉ આ પરીક્ષા માત્ર ભુજ અને આદિપુરમાં લેવાતી તેનાં સ્થાને હવે આ બે ઉપરાંત માંડવી, નખત્રાણા અને રાપરને પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. વિદ્યાર્થીએ  યુનિ.ની વેબસાઇટ પર ઓનલાઇન ગૂગલ ફોર્મ ભરી નિયત સમયમાં કેન્દ્ર નક્કી કરવાનું રહેશે. ઓલ્ડ પેટર્નના પરીક્ષાર્થીઓનું કેન્દ્ર યુનિવર્સિટી કેમ્પસ રહેશે. એક મહત્ત્વની બાબત પર પ્રકાશ પાડતાં કુલસચિવે કહ્યું કે, સ્નાતક કક્ષાએ  ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેતી ન હોવાના લીધે સેમે-4ના 7000 છાત્રોને મેરિટ બેઝ્ડ પ્રોગરેશન યોજના હેઠળ પરિણામ આપવામાં આવશે.તો કોરોનાની મહામારીને ધ્યાને લઇ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓનું થર્મલ ક્રીનિંગ કરવાની સાથે તબીબી તપાસની વ્યવસ્થા ગોઠવાશે. જો કોઇ પરીક્ષાર્થીમાં તાવના લક્ષણો દેખાશે તો પરીક્ષા આપવા દેવામાં  આવશે નહીં. હાલ પરીક્ષાની તૈયારીઓને લઇ ધમધમાટ આરંભી દેવાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer