નર્મદા જેવા અતિ સંવેદનશીલ મુદ્દે કચ્છમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ

ભુજ, તા. 30 : રાજકીય ઇચ્છાશક્તિના અભાવે કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફિટ પાણી પહોંચાડવાનું હોય કે પછી મોડકુબા સુધીની કેનાલનું કામ આગળ વધ્યું નથી તેવા બળાપા સાથે રાજ્યના પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી કચ્છના નેતાઓ જ નર્મદા મુદ્દે મૌન રહે છે તેવું મહેણું ભાંગ્યું છે. શ્રી છેડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રીપદે આરૂઢ હતાં ત્યારે રાપરના ધારાસભ્ય પંકજ મહેતાની સતત રજૂઆત થકી નર્મદાનું સિંચાઇનું પાણી વાગડ સુધી પહોંચવા સાથે અંજારનો ટપ્પર ડેમ ભરવામાં આવ્યો છે. જો કે, ત્યારબાદ નર્મદાના કામો કચ્છમાં જાણે કે ઠપ થઇ થઇ ગયા હોય તેમ મોડકુબા સુધી કેનાલનું કામ આગળ વધારવાનું હોય કે પછી કચ્છના હક્કનું નર્મદાનું વધારાનું એક મિલિયન  એકર ફિટ પાણી પહોંચાડવાનું હોય, સૂચક રીતે આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ જ દેખાતો હોવાના કારણે કચ્છની પ્રજાની સિંચાઇનાં પાણી માટેની વાજબી રજૂઆતો પર કોઇ ધ્યાન અપાતું ન હોવાનો વસવસો તારાચંદભાઇએ દર્શાવ્યો હતો. જો કચ્છની ખેતીને જીવતી રાખવી હોય તો નર્મદા નીર સિવાય બીજો કોઇ વિકલ્પ નથી ત્યારે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કર્યા બાદ સમસ્યાનો કોઇ?નિવેડો ન આવતાં વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે. આ રજૂઆતમાં એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે નરેન્દ્રભાઇ કચ્છ પ્રત્યે અપાર લાગણી ધરાવતા હોવાથી તેઓ કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદા નીર પહોંચાડવા માટે રાજ્ય સરકારને યોગ્ય આદેશ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કચ્છ માટે નર્મદાનો મુદ્દો હંમેશાં પ્રાણપ્રશ્ન રહ્યો હોવાના કારણે રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂકેલા નેતાને નર્મદા મુદ્દે મુખ્યમંત્રી નહીં પણ વડાપ્રધાનને રજૂઆત કરવી પડે તેને રાજકીય સમીક્ષકો અતિસૂચક ગણાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer