કાળા ડુંગરની ગોદમાં દીપડાના પરોણા : ધોળા દિવસે મારણ

સુમરાપોર, (તા. ભુજ) તા. 30 : તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના કાળા ડુંગરમાં ઘણા સમયથી દીપડાની અવાર નવાર લટારથી કાળાડુંગરની ગોદમાં આવેલી વિવિધ વાંઢોમાં ઝીણો માલ ધરાવતા માલધારીઓમાં ભય ફેલાયો છે. શરૂઆતમાં આ દીપડાએ જંગલી સુવરો (ભુંડ)ને જ નિશાન બનાવી મારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ દુબળા-પાતળા વાછરડાઓ અને ધીરે-ધીરે મોટી ગાયોનું મારણ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ એની મારણની ઘટનાઓ રોજ બ રોજ વધતાં માલધારીઓએ ત્યાં કાળા ડુંગરની વાંઢો એના ત્રાસથી હિજરત કરી ગામડાંઓનો સહારો લીધો. હવે આ રાની પશુએ કોટડા, સુમરાપોર, કુરન, ધ્રોબાણા, નાના-મોટા દિનારાના સિમાડા તેમજ ગામોની વચ્ચે અવર-જવર વધારી દેતાં હવે નાના ઝીણા પશુપાલકો તેમજ ગ્રામ્ય વર્ગમાં પણ ભય ફેલાયો છે.આ રાની પશુ એટલી મોટી ઉમરનું ન હોવાથી દિવસે ખુલ્લેઆમ નાના-નાના પશુઓને મારણ કરી રહ્યું છે અને ઘણા ગરીબ માલધારીના આવા પશુઓના મારણ કર્યાના અહેવાલો મળી રહ્યા છે.આ દીપડાના ગ્રામ્ય વિસ્તારમાં પગ-પેસારાથી હવે ચિંતામાં ઓર વધારો થયો છે. આમ તો આ દીપડો દર વર્ષે આ કાળા ડુંગરની મહેમાનગતી માણવા આવે છે, પણ માત્રને માત્ર બે-ચાર દિવસ પૂરતી જ લટાર હોય છે. પણ આ વખતે પ્રથમ જ ચોમાસામાં આવ્યા બાદ પોતાની એકાદ વર્ષથી કર્મભૂમિ બનાવી લેતાં હવે માલધારીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. આમ આ દીપડાને માણસનો કોઈ જાતનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ મારણથી હવે માલધારીઓને આ રાની પશુઓથી કોઈ મોટું નુકસાન ન થાય એનાથી ચિંતિત બન્યા છે. વનતંત્ર વેળાસર આવા માલધારીઓની રાવ સાંભળી આ રાની પશુના ત્રાસથી છુટકારો મળે એવી માલધારીઓની લાગણી તેમજ માગણી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer