અબડાસાના તેરા ગામે ઈશાકપીર ડેમના ખાણેત્રામાં ઓછી મજૂરીનો આક્ષેપ

નલિયા, તા. 30 : અબડાસાના તેરા ગામે ઈશાકપીર ડેમના ખાણેત્રાનું કામ તો શરૂ કરાયું પણ શ્રમિકોને પ્રથમ અઠવાડિયાનો સરેરાશ રોજ માંડ મળતાં ભારે નારાજગી ફેલાઈ છે. આ અંગે ગામના માજી સરપંચ આદમભાઈ લોધરાના જણાવ્યાનુસાર તેરા ગામે ગામથી 3 કિ.મી. દૂર આવેલા ઈશાકપીર ડેમના ખાણેત્રાનું કામ મનરેગા યોજના હેઠળ છેલ્લા 13 દિવસથી ચાલુ છે પરંતુ કામ પર ગયેલા શ્રમિકોને માંડ દૈનિક 25 રૂા. (પચ્ચીસ રૂપિયા) મજૂરી છૂટી છે. મજૂરોને કામ શરૂ કરતા પહેલાં ડેમતળમાં ઝાડીઝાંખરા દૂર કરી પછી જ ખાણેત્રું ચાલુ કરાવાયું હતું. આમ તો મનરેગા યોજના હેઠળ દૈનિક રૂા. 204 (બસ્સો ચાર) રોજ મુકરર કરાયો છે પણ તેની સામે દૈનિક નજીવી રકમ ચૂકવાતાં મજૂર વર્ગમાં ભારે હતાશા ફેલાઈ છે.માજી સરપંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શ્રમિકોને પૂરતી રોજગારી ચૂકવાય તેવી માંગ કરતા જણાવ્યું હતું કે, ખાણેત્રાના કામે 170 મજૂરો રોકાયેલા છે જે કામની સાઈટ પર આવવા-જવા માટે છ કિ.મી.નું અંતર કાપી કામ પર જઈ પરત ફરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer