યુવાનો ક્ષમતા કુશળતા પર ભાર મૂકે

ભુજ, તા. 30 : કોવિડ-19 અને સમાધાન, કારકિર્દી, રોજગાર અને રોજગાર કુશળતા વિષય સાથે આજે અહીં કચ્છ યુનિ. અને યુનિ. રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભુજ દ્વારા વેબિનાર યોજાયો હતો. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં છાત્રો તેમજ ઉમેદવારોને પોતાની ક્ષમતા અને કુશળતાની માવજત પર ભાર મૂક્યો હતો. વિશેષમાં તેમણે બેક ટુ વિલેજના ખ્યાલ સાથે સાયબર સિક્યોરિટી, વેબ એપ ડેવલોપમેન્ટ, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સંશોધન, ગ્લોબલ માર્કેટીંગ, ડિજિટલ સર્વિસીસ વગેરે ક્ષેત્રે કારકિર્દી બનાવવા યુવાનોને રાહ ચીંધ્યો હતો. કચ્છ યુનિ. અને યુનિ. રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વિદ્યાર્થીઓ અને યુવાઓના માર્ગદર્શન અને કારકિર્દી માટે હંમેશા તત્પર રહેશે તેમ ખાત્રી આપી હતી.આ વેબિનારમાં અન્ય વક્તા ડો. જીગર ઈનામદાર દ્વારા કોરોના સંક્રમણ બાદ આવનાર પરિવર્તનની માહિતી આપી હતી. તેમણે યુવાનોને વહાઈટ કોલર જોબના કોચલામાંથી બહાર આવી પોતાનું સાહસ ઊભું કરવા આહ્વાન કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના ડો. મનોજ પરમારે લાઈફ સ્કિલની વાત કરી હતી. સાથે ગ્રામીણ વિકાસ અને કૃષિ તેમજ કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોમાં ભવિષ્યમાં કારકિર્દી અને રોજગારીની ઉજળી તકો પર વિગતો આપી હતી.યુનિ.ના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભુજના નાયબ વડા દિનેશ પરમારે વક્તાઓનું સ્વાગત કર્યું હતું. માનદ્ વડા મિલિન્દ સોલંકીએ પણ માર્ગદર્શન આપ્યું હતું.આ વેબિનારનું ઝૂમ વીડિયો અને ફેસબૂક લાઈવ પર પ્રસારણ કરવામાં કોમ્પ્યુટર વિભાગના અમર મહેતાએ વ્યવસ્થા કરી હતી. ફેસબુક પર લાઈવ પ્રસારણ અંદાજે 30 હજાર લોકો નિહાળ્યું હતું. કાઉન્સેલર પ્રમોદ ઉપાધ્યાયે સહયોગ આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer