રાપરમાં લોકપ્રશ્ને વિપક્ષનો અવાજ દબાવવા પ્રયાસ

રાપર, તા. 30: ગઈકાલે નગરપાલિકા અને શહેરને પીવાના પાણીની પડતી તકલીફ અંગે રજૂઆત કરવા જતાં કોંગ્રેસના કાર્યકરો પર સામાજિક અંતરના ભંગની ફરિયાદ દાખલ કરતાં કોંગ્રેસના નેતાઓએ તેને ભાજપ સરકાર દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ લેખાવ્યો હતો.  સુધરાઈના વિરોધપક્ષના નેતા દિનેશભાઈ કારોત્રા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલ જે. મોરબિયાએ અલગ અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર લોકોના પ્રાણપ્રશ્નો તથા સમસ્યાઓ સાંભળવા બદલે લોકોને હેરાન પરેશાન કરવાની નેમ ધરાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પાણીના મુદ્દે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે રજૂઆત કરવા જનાર કોંગ્રેસના આગેવાનો પર ખોટી ફરિયાદો દાખલ કરે છે, તે વખતે ભાજપના આગેવાનો પણ લોકો સાથે હતા છતાં તેમના પર ફરિયાદ કેમ દાખલ ન થઈ ? બે ત્રણ દિવસ પૂર્વે રાપરના જાહેર ચોક નજીક મેઈન બસસ્ટેશન ખાતે ભાજપના આગેવાનો સહિતના કાર્યકરોએ ખુલ્લેઆમ જાહેરમાં બસને લીલીઝંડી આપતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. હવે જો કનડગત કરવાનું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer