પ્રાથમિક શાળાઓમાં સરળ ભણતર માટે ઈ-લર્નિંગ એપ્લિકેશન હવે સાવ મફત

ભુજ, તા. 30 : વર્તમાન સમયમાં દૃશ્ય-શ્રાવ્ય દ્વારા બાળકોને અભ્યાસ કરાવવાનું મહત્ત્વ વધી રહ્યું છે. છેલ્લા દાયકામાં પ્રા. શાળાના અભ્યાસક્રમને આધારિત લર્નિંગ ડિલાઈટ (ભુજ) દ્વારા કચ્છની વિવિધ શાળાઓમાં દાતાઓ અને સંસ્થાઓના સહકારથી ઈ-લર્નિંગ એપ્લિકેશન પ્રકલ્પ કાર્યરત થયો છે. સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સમજી શકે તે પ્રકારની આ એપ્લિકેશન હવે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની મહામારીને કારણે શાળાઓ બંધ છે ત્યારે સરકાર દ્વારા પણ બાળકોને ઘેરબેઠા અભ્યાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને સહાયક બનવાના હેતુસર વિદ્યાર્થીઓના હિતમાં લર્નિંગ ડિલાઈટ કંપની આગળ આવી છે અને પોતાની ઈ-લર્નિંગ એપ્લિકેશન નિ:શુલ્ક કરી છે. આ એપ્લિકેશન દ્વારા ધો. 1થી 8માં ભણતાબાળકો ઘેરબેઠા અભ્યાસ કરી શકે છે. આ ઓનલાઈન એપ્લિકેશન જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરના નવા અભ્યાસક્રમ મુજબ અદ્યતન રીતે તૈયાર કરેલ છે. જેમાં પ્રત્યેક પ્રકરણમાં આવતા વિવિધ કન્સેપ્ટ/ટોપિકની સરળ રીતે રજૂઆતના એનિમેશન્સ, દરેક પ્રકરણનો ઓડિયો તેમજ જરૂરી જણાય તેવાં ચિત્રો આપેલ છે. વિશેષમાં જે-તે પ્રકરણનો અભ્યાસ કર્યા બાદ વાલીઓ દ્વારા મૂલ્યાંકન થઈ શકે તે હેતુસર પ્રશ્નોત્તરી પણ સામેલ છે. આ એપ્લિકેશન દ્વારા હાલમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ ઘેરબેઠા અભ્યાસ કરી રહ્યા છે. કંપની દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે Google Play Store  પર જઈને Learning Delight Gujarat Board ટાઈપ કરી આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી શકાય છે. ઈન્સ્ટોલ કર્યા બાદ Sign up કરી પોતાની પ્રોફાઈલ બનાવી શકાય છે. Sign up કરતી વખતે ટાઈપ કરેલ મોબાઈલ નંબર પર જ Login Id  બનશે.કોરોના વાયરસની હાલની પરિસ્થિતિ થાળે પડયા બાદ પણ નિ:શુલ્ક ઉપયોગમાં લઈ શકાય તેવી આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને કંપનીએ અનુરોધ કર્યો છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો મો. નં. 85110 51518 અથવા 78747 61518નો સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer