કંડલાના ડીપીટી ક્વાર્ટર ખાલી કરવાના મુદ્દે કામદાર સંગઠન ખફા : ડખો થવાનાં એંધાણ

ગાંધીધામ, તા. 30 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના કંડલા ખાતે આવેલા કર્મચારી આવાસ ખાલી કરીને સૌ કર્મચારીઓને ગોપાલપુરીમાં આવાસ આપવાના નિર્ણયને લઈને કામદાર સંગઠન ખફા થયું છે. કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયને આ પ્રક્રિયાનો લેખિત વિરોધ કરતાં ડખાનાં એંધાણ મળે છે. યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ ડીપીટીના મુખ્ય ઈજનેરને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે કંડલાના ક્વાર્ટર રદ કરીને કર્મચારીઓને ગોપાલપુરી ખાતે ક્વાર્ટર આપવાનો નિર્ણય પ્રશાસને કામદાર સંગઠનને વિશ્વાસમાં લીધા વિના કે જાણ કર્યા વિના લીધો છે.કામદારોને અસરકર્તા આ મહત્ત્વના નિર્ણયમાં પ્રશાસને કામદાર સંગઠનની ચિંતા કરી નથી અને સંગઠનની અવગણના કરી છે. આ કામદારોએ કરેલી રજૂઆત પ્રમાણે તેમને નિયમ મુજબ મળવાપાત્ર ડીપીટી ગોપાલપુરી કોલોનીના ઈ તથા એફ ટાઈપ ક્વાર્ટર આપવાના બદલે એફસીઆઈ કે કે.ડી.એલ.બી. કોલોનીના ક્વાર્ટર અપાઈ રહ્યા છે. એફ.સી.આઈ. કે  ડી.એલ.બી. કોલોનીના આવાસો શોર કે ડીએલબી કામદારો માટે બાંધવામાં આવ્યા હતા. આ ક્વાર્ટર્સની હાલત અત્યંત ખરાબ છે. આ ઊતરતી ગુણવત્તાના ક્વાર્ટર્સ બંદર કર્મચારીઓ સ્વીકારી શકે નહીં. કારણ કે તેઓ નોકરીની સિનિયોરિટી અને પદની કક્ષાને જોતાં ગોપાલપુરીના ઈ અને એફ ટાઈપ ક્વાર્ટર મેળવવા હક્કદાર છે.કેપીટીઈ (એલોટમેન્ટ ઓફ રેસિડેન્સ) રેગ્યુલેશન 1964 મુજબ આ કંડલાથી આવતા કર્મચારીઓને યોગ્ય આવાસો ફાળવવાની સંગઠનની માગણી છે, તેવું જણાવીને સંગઠનના મહામંત્રીએ આ અંગે થનારા નિર્ણયની તેમને જાણ કરવા પત્રમાં અનુરોધ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કંડલામાં જેમને ક્વાર્ટર ફાળવાયેલા છે તેમાંથી ઘણા તો પેટા ભાડે ચલાવે છે. જે અંગે પણ પ્રશાસને કોઈ પગલાં લીધાં નથી. હવે આ નિર્ણયથી ડખો થવાની શક્યતા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer