અંજારમાં તમાકુના જથ્થાબંધ વેપારીઓ દ્વારા કાળાબજાર

અંજાર, તા. 30 : લોકડાઉન-4 અમલી થતાં તમાકુ, બીડીના વેપાર માટે છૂટ મળવા છતાં શહેરમાં તમાકુ, બીડીના વેપારીઓ દ્વારા વધુ પૈસામાં વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો લોકોમાંથી બહાર આવી છે. આ મામલે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી બનતાં રાજ્ય સહિત સમગ્ર કચ્છમાં પાન, તમાકુ, ગુટકા, બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેથી કાળાબજારીમાં વસ્તુઓ વેચતા વેપારીઓને બખ્ખા થઈ પડયા હતા. હાલમાં પ્રતિબંધ દૂર કરાયો છે છતાં હજુ પણ બીડી, તમાકુ, ગુટકા, પાન, મસાલા વિગેરેના બંધાણની કિંમતમાં ઘટાડો આવ્યો નથી. હજુ પણ શહેરમાં અમુક જથ્થાબંધના વેપારીઓ દ્વારા નામ માત્રની સવારના ભાગે દુકાન ખોલ્યા બાદ મળતિયા છૂટક વેપારીઓ માલ-સામાન લઈ જાય બાદમાં બંધ કરી દેવામાં આવે છે અને શહેરમાં કાળાબજારીથી વસ્તુઓ વેચાઈ રહી છે. વેપારીઓ દ્વારા માલ ઓછો આવતો હોઈ બહાનું કરી તગડા ભાવ વસૂલવામાં આવે છે. હકીકતે સ્થાનિક જાગૃતોના મતે લોકડાઉનમાં પાછલા બારણેથી લાખોનો માલ કાળાબજારમાં વેચી વેપારીઓએ નાણાં બનાવી લીધાં છે અને હજુ આ વેચાણ ચાલુ છે. આ બાબતે મળતી વધુ વિગત મુજબ અમુક ગુટકાના પેકેટની ખરીદી પર કંપની તરફથી ભેટમાં કૂપનો આપવામાં આવે છે તો અમુક કંપની અમુક નંગ ફ્રી આપે છે. કંપની દ્વારા ભેટમાં અપાતી વસ્તુઓ પણ શહેરના અમુક શાણા વેપારીઓ વધુ દામમાં વેચી નાખે છે. આવી તરેહ-તરેહની ચર્ચા વ્યસનના બંધાણીઓ કરી રહ્યા છે. દસ દિવસ પહેલાં છૂટછાટ મળતાં લોકોને ભાવ ઘટવાની આશા હતી, પરંતુ હજુ પણ તગડા ભાવો વસૂલાઈ રહ્યા છે. જો કે અમુક વેપારીઓ પાન, મસાલાની કિંમતે જ વસ્તુઓ વેચી રહ્યા છે. અંજારના એક જાગૃત નાગરિક દ્વારા શહેરના પાન, મસાલાના હોલસેલના વેપારીઓના નામજોગ અંજારની નાયબ કલેક્ટરની કચેરી તથા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જવાબદારો દ્વારા આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. જેથી અંજારમાં સંગ્રહખોર અને કાળાબજારના તમાકુના હોલસેલર વેપારીઓ બેરોકટોક વ્યસનીઓને લૂંટી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer