સુરક્ષિત ભુજની નેમ સાથે એક લાખ માસ્કનું વિતરણ કરાશે

સુરક્ષિત ભુજની નેમ સાથે એક લાખ માસ્કનું વિતરણ કરાશે
ભુજ, તા. 28 : અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણથી પ્રમાણમાં સુરક્ષિત રહેલા ભુજને વધુ સુરક્ષિત બનાવવાની નેમ સાથે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ શહેરમાં એક લાખ માસ્ક વિતરણ કરવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ત્રણ સંકલ્પો પૈકી માસ્ક હર એક વ્યક્તિને પહોંચે તેને સાકાર કરવાની નેમ આ અભિયાન તળે વ્યક્ત કરવામાં આવી છે. `તેરા તુજકો અર્પણ' અંતર્ગત ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય સહયોગથી તથા શાંતિનિકેતન ફાઉન્ડેશનના સહકારથી ભુજ શહેરમાં 1 લાખ માસ્કનું વિતરણ કરવાનો પ્રારંભ ભુજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરી, ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના કે. કે. હીરાણી તથા નવીનભાઇ પાંચાણી, કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, શાંતિનિકેતન ફાઉન્ડેશનના નીલાબેન યોગેશભાઇ દોશી અને કરુણાબેન અશોકભાઇ દોશીના પ્રતિનિધિત્વમાં નીરવભાઇ શાહ, સુપાર્શ્વ સેવા મંડળના પ્રમુખ કૌશલભાઇ મહેતા અને પત્રકાર કિરણ અપારનાથીના  હસ્તે 1 લાખ માસ્ક વિવિધ એસોસિયેશન-યુનિયનને અર્પણ કરી પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ `તેરા તુજકો અર્પણ'ને બિરદાવી અભિનંદન પાઠવ્યાં હતાં. અત્યાર સુધી ત્રણ લાખ માસ્ક વિતરણ કરવાની કામગીરી કરાઇ છે. કચ્છ જિલ્લા ભાજપના મંત્રી, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, `તેરા તુજકો અર્પણ' અભિયાનના પ્રણેતા હિતેશ હિમતલાલ ખંડોરે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં 1 લાખ માસ્ક વિવિધ સમાજો, યુનિયનો, એસોસિયેશનો, વિવિધ મંડળો વગેરેને વિતરણ માટે અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરીએ 1 લાખ માસ્કના વિતરણથી ભુજ વધુ સુરક્ષિત બનશે તેમ કહી સમગ્ર ટીમને કોરોનાની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. જથ્થાબંધ બજાર ભુજના પ્રમુખ મેહુલભાઇ ઠક્કર, હસમુખલાલ નવીનચંદ્ર ઠક્કર, ટેક્ષી સ્ટેન્ડ એસોસિયેશન વતી પ્રમુખ રોહિતભાઇ દૈયા, ઓટો રિક્ષા સ્ટેન્ડ એસોસિયેશન વતી જનક મારાજ, છકડા સ્ટેન્ડ એસોસિયેશન વતી પ્રમુખ વિપુલભાઇ, વાણિયાવાડના વેપારીઓ વતી બિપિનભાઇ શાહ, સ્મિતભાઇ ઝવેરી, તળાવ શેરીના વેપારીઓ વતી જિગરભાઇ શાહ, રાજુભાઇ શાહ, શરાફ બજારના વેપારીઓ વતી નીશુભાઇ શાહ, ધવલભાઇ દોશી, કંસારા બજારના વેપારીઓ વતી અશોકભાઇ સોની, હોસ્પિટલ રોડના વેપારીઓ વતી પરગભાઇ કંદોઇ, અમૃતભાઇ નાય, સુપાર્શ્વ જૈન સેવા મંડળ વતી કૌશલભાઇ મહેતાને માસ્ક અર્પણ કરાયાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer