કકરવાની નદીમાંથી રેતીચોરી પ્રવૃત્તિ ઝડપાઇ

કકરવાની નદીમાંથી રેતીચોરી પ્રવૃત્તિ ઝડપાઇ
ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકાના જૂના કકરવા ગામની બાજુમાં આવેલી ચાંગ નદીના પટમાં સરહદી રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે રૂા. 25,76,472ની રેતીચોરી પકડી પાડી હતી. આ કાર્યવાહી દરમ્યાન મનફરા ગામના સરપંચ પુત્રની અટક કરી 8 ડમ્પર અને બે લોડર હસ્તગત કરવામાં આવ્યા હતા. આજે વહેલી પરોઢે સાયબર ક્રાઇમ પોલીસ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન જૂના કકરવા ગામની બાજુમાં આવેલી ચાંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું્ હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. આ ટીમે ત્યાં જઈ વોચ ગોઠવી હતી. અહીં રેતીચોરી થતી હોવાનું નજરે ચડતાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અહીં મનફરા ગામના સરપંચ કાના કોળીનો દીકરો પ્રભુ ઊભો હતો તે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી અને આ રેતી વાહનોમાં ભરાવતો હતો. અહીં ત્રાટકેલી પોલીસે તેને દબોચી લીધો હતો. આ જગ્યાએથી ડમ્પર નંબર જીજે12-ઝેડ -0071, જીજે12-બીડબલ્યુ -8422, જીજે12-એડબલ્યુ-1589, જીજે12 -બીએકસ -5737, જીજે 12-બીડબલ્યુ- 5737, જીજે01- બીટી- 8829, જીજે16-ઝેડ-6582 તથા જીજે12 -બીડબલ્યુ-5420 અને રેતી ભરવા માટેના લોડર નંબર જીજે02- બીએસ -4507, જીજે- ડીએમ- 2403 આમ લાખો, કરોડોના આ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે અંજાર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને અહીં બોલાવ્યા હતા અને તપાસણી કરાવાના અત્યાર સુધીમાં રૂા. 25,76,472 રકમની ખનિજની ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. સરપંચના આ પુત્ર, વાહનોના ચાલકો, માલિકો વિરુદ્ધ માઈન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1957ની કલમ 4(1), 1(એ), 21 તથા ગુજરાત મિનરલ્સની જુદી-જુદી કલમો હેઠળ ભચાઉ મથકે ગુનો નોંધાવાયો હતો. સરહદી રેન્જના આઈ.જી.પી. સુભાષ ત્રિવેદીએ અગાઉ પોલીસ બેડામાં સૂચના આપી હતી કે જે પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બહારની એજન્સી ખનિજચોરી પકડી પાડશે તેવા બનાવમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ફરજ મોકૂફી સહિતનાં પગલાં લેવામાં આવશે. અગાઉ પણ  ખનિજચોરી પકડાઇ?હતી ત્યારે અમુક પોલીસ કર્મીઓની જવાબદારી બેસાડાઇ હતી અને તેમને ફરજ મોકૂફ પણ કરાયા હતા ત્યારે હવે આમાં કોની વિકેટ પડે છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં થઇ રહ્યો છે. ખનિજચોરીના આ બનાવમાં તટસ્થ અને નીતિમત્તાથી તપાસ હાથ ધરાય તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજની આ કામગીરીમાં સાયબર ક્રાઇમના પીઆઇ બી.એસ. સુથાર તથા નરેન્દ્રપુરી ગોસ્વામી, હરપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.જૂના કકરવાની ખનિજચોરીના બનાવમાં પોલીસે પ્રભુ કોળીની સાથે પ્રકાશ પ્રેમજી કોળી, સવાઇસિંહ ઇશ્વરસિંહ રાજપૂત, મહેશ ભીમજી બારોટ, દેવીસિંહ બળવંતસિંહ ધોનિયા, દિલુભા કનુભા જાડેજા, કેદારસિંહ જાગરસિંહ કનેરી, રમેશપુરી બાબુપુરી ગોસ્વામી, સુરેશ પ્રતાપ ગાડરિયા, હસમુખપુરી મનહરપુરી ગોસ્વામી નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer