નાના વર્ગના વ્યવસાયીઓને પગભર કરવા લોન માટે રાજકોટ નાગરિક બેન્કે 525 કરોડ ફાળવ્યા

નાના વર્ગના વ્યવસાયીઓને પગભર કરવા લોન માટે રાજકોટ નાગરિક બેન્કે 525 કરોડ ફાળવ્યા
ભુજ, તા. 28 : કોરોના વાયરસ થકી અમલી બનાવાયેલા લોકડાઉન દરમ્યાન ધંધા-વ્યવસાય બંધ રહેવાના કારણે નાના વર્ગના વ્યવસાયીઓને થયેલા આર્થિક નુકસાન બાદ તેમને પગભર કરવા માટે જાહેર કરાયેલી રૂા. એક લાખની લોનની યોજના માટે સહકારી ક્ષેત્રની બેન્ક રાજકોટ નાગરિક બેન્ક દ્વારા રૂા. 525 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંતગર્ત બેન્કની ભુજ ખાતે કાર્યરત શાખા પણ જરૂરતમંદોને આવરી લઇ તેમને ધિરાણ આપવાની કાર્યવાહી હાથ ધરશે તેવું જણાવાયું હતું. બેન્ક દ્વારા આજે આ બાબતે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં આ વિશેની વિગતો આપતાં ભુજ શાખાના ચેરમેન ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શાખાઓ ધરાવતી રાજકોટ નાગરિક બેન્ક દ્વારા રાજ્ય સરકારની આ લોન યોજના માટે મળેલી બેઠક બાદ લાભાર્થીઓને આ ધિરાણ આપવા રૂા. 525 કરોડની ફાળવણી કરતો નિર્ણય કર્યો હતો. રાજકોટ નાગરિક બેન્ક અને તેની ભુજ શાખા દ્વારા રૂા. એક લાખની લોન માટેની કાર્યવાહી ફોર્મ વિતરણ સાથે આરંભી દેવાઇ હોવાનું કહેતાં તેમણે જણાવ્યું હતું કે, નાના વર્ગને પગભર કરવા માટે આ ખાસ ધિરાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. લોન લેનારી વ્યક્તિ પણ સમયસર લોનની રકમ પરત ભરપાઇ કરે એ સૌના હિતમાં રહેશે. આ તબક્કે તેમણે ધિરાણ લેવાની પ્રક્રિયા અને રજૂ કરવાના આધારો સહિતની વિગતો વિસ્તૃત રીતે આપી હતી અને ઉમેર્યું હતું કે, સહકારી બેન્કના કાયદા અને રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ લોન આપવાની કાર્યવાહી હાથ ધરાશે. પહેલા છ મહિના માત્ર બે ટકાના વ્યાજદરે તથા છ મહિના બાદ હપ્તાની ચૂકવણી સહિતના લોન યોજનાના લાભાલાભ વર્ણવતાં શ્રી ત્રિવેદીએ કોનેકોને ધિરાણ મળી શકે તેની વિગતો પણ આપી હતી. ધિરાણ લેનારા પાસે નિયમ મુજબ જામીન લેવામાં નહીં આવે પણ અન્ય જરૂરી આધારો લાભાર્થીએ રજૂ કરવાના રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં બેન્કના સહકન્વીનર પ્રવીણભાઇ પિંડોરિયા, શાખા મેનેજર હિમાંશુભાઇ જોશી હાજર રહ્યા હતા. સ્ટાફના સભ્યોએ આયોજન-વ્યવસ્થા સંભાળ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer