સુમરી (રોહા)માં રાષ્ટ્રીય પક્ષીનું મોત

સુમરી (રોહા)માં રાષ્ટ્રીય પક્ષીનું મોત
ગઢશીશા (તા. માંડવી), તા. 28 : સીમાવર્તી કચ્છ જિલ્લામાં અનેક સ્થળે પવનચક્કીઓએ ડોળો માંડયો છે અને જ્યાં જ્યાં આ પવનચક્કીઓ પહોંચી છે ત્યાં પવનચક્કી આધારિત વીજલાઇન માટેના મોટા પોલ અને વીજલાઇન નાખવાના બહાને જંગલ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરાયેલી જમીન પરની મીઠી ઝાડીનો સોથ વાળવામાં આવ્યો છે. અમુક વિસ્તારોમાં રક્ષિત શ્રેણીમાં આવતા પશુ-પક્ષી જેવા કે ગીધ અને રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત થયાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે. બુધવારે સુમરી રોહા ખાતે એક વધુ રાષ્ટ્રીય પક્ષીની આ કંપનીઓ પૈકીના કોઇએ હત્યા કરતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. નખત્રાણા તાલુકાના રાજાશાહી સમયના જાજરમાન એવા સુમરી રોહા ખાતે બુધવારે રાત્રે પવનચક્કી આધારિત વીજલાઇનને અડીને રાષ્ટ્રીય પક્ષી મોતને ભેટતાં સમગ્ર ગામમાં આક્રોશની લાગણી ફરી વળી છે. ગ્રામજનો વતી જાગૃત નાગરિકો દ્વારા વનતંત્ર તથા અન્ય સરકારી તંત્રને આ બાબતની જાણ કરાઇ છે. મોર આ તોતિંગ વીજતારના સંપર્કમાં આવતાં એટલો મોટો ધડાકો થયો કે આજુબાજુના રહેવાસીઓ સફાળા જાગી ઘરની બહાર નીકળી આવ્યા હતા. અનેક રજૂઆત છતાં ગામની સાવ નજીકથી જતી આ વીજલાઇન દૂર ખસેડવા કોઇ સંતોષકારક પગલાં નથી લેવાતાં. ભવિષ્યમાં મોટી જાનહાનિની દહેશત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ગામલોકોનો આક્ષેપ છે કે પવનચક્કીની અમુક કંપની તથા તેને આધારિત વીજતાર નાખતી કંપનીની એટલી તો મનમાની છે કે વાત ન પૂછો ! માથાભારે અને પહોંચેલા ઠેકેદારોને વચ્ચે રાખી મીઠી ઝાડીનો નાશ કરી મનફાવે ત્યાં રસ્તા બનાવી વીજપોલ ઊભા કરાયા છે તથા ખેડૂતોને પણ ઊંઠા ભણાવી ધાર્યું વળતર આપવામાં પણ ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે. ખરેખર આ બાબતમાં તંત્રની મધ્યસ્થી જરૂરી બની છે અને યોગ્ય તપાસ કરી કચ્છની રક્ષિત અને મીઠી ઝાડી સાથે જીવસૃષ્ટિનું જતન જરૂરી બન્યું છે. જે તે વિસ્તારોની ગ્રામ પંચાયતોનું મૌન પણ અકળાવનારું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer