ભડલીમાં પવનના જોરથી ટાવરનું ઘડિયાળ ધરાશાયી

ભડલીમાં પવનના જોરથી ટાવરનું ઘડિયાળ ધરાશાયી
નખત્રાણા, તા. 28 : તાલુકાના ભડલીના બસ સ્ટેશન પાસે તાજેતરમાં જ ગામના સખી દાતા અને દેશાવર રહેલા ગોરાણી પરિવાર દ્વારા બનાવી આપવામાં આવેલું ટાવર ઘડિયાળ-આ વેગીલા વાયરાની થપાટના કારણે ધરાશાયી થતાં નાના એવા આ ગામની સમય બતાવતી ઘડિયાળની સગવડ ઝૂંટવાઈ ગઈ છે. ભડલી જ ગામના હાલે બિલાસપુર રહેતા સ્વ. મીનાબેન અર્જુનભાઈ ગોરાણી પરિવાર દ્વારા ભડલી ગામના બસ સ્ટેશન પાસે પ્રવેશદ્વાર પીવાના પાણીની પરબ તેમજ વોચ-ટાવર પશુ માટે અવાડા બનાવી દિવાળી બાદ ગામને લોકાર્પણ કરી વતન પ્રત્યે પોતાનું ગ્રામ પ્રત્યે ઋણ અદા કર્યું હતું. હાલે બે દિવસથી 16 કિ.મી.ના ઝડપે ફુંકાતા તોફાની વાયરાના કારણે ઠેર ઠેર આંધી જોવા મળે છે. ધૂળ-રજકણ ઊડતાં વાહન ચાલકો રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે છેલ્લા બે દિવસથી આ તોફાની પવનના કારણે કેરીના ઝાડો પરથી કેરીઓ ખરી પડી છે તો ખુલ્લામાં લોકો ઊભા પણ રહી શકતા નથી. આ નવું બંધાવેલું ટાવર ધરાશાયી થઈ ગયું તો ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં શું હાલત હશે અને પવનની ઝડપ કેવી હશે. ધરાશાયી ટાવરના દાતાને આ વોચ ટાવર પડી ગયાનું ટેલિફોન પર જણાવતાં તેમણે તાત્કાલિક ભડલી ગામમાં નવું ટાવર પરિવાર દ્વારા બનાવી આપશું તેવું  ગ્રામજનોને  કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer