બન્નીના ગોરેવાલી, લુણા, ભિટારામાં સેવા સાધના દ્વારા મંદિરોની પાયાવિધિ

બન્નીના ગોરેવાલી, લુણા, ભિટારામાં સેવા સાધના દ્વારા મંદિરોની પાયાવિધિ
ભુજ, તા. 28 : તાલુકાના બન્ની વિસ્તારના ગોરેવાલી, લુણા અને ભિટારા આ ત્રણ ગામોમાં દયનીય સ્થિતિમાં જીવન જીવતા વાઢા કોળી સમાજના લોકોને ઘરનું ઘર આપવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) પ્રેરિત સેવા સાધના દ્વારા નક્કી થયા મુજબ મકાનોનું કામ અગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યાં ઘરની સાથે શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે મંદિરની  પાયાવિધિ એન.આર.આઈ. દાતા પરિવારોના પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી હતી.  સેવા સાધનાના ત્રણ ગામોના નિર્માણ  આયોજનમાં સંસ્થાની પ્રેરણાથી સાંસદ  વિનોદભાઈ ચાવડા દ્વારા ભિટારા ગામમાં 14 મકાનોનું નિર્માણ થઇ ચૂક્યું છે. જ્યારે લુણા અને ગોરેવાલી ગામોમાં નિર્માણ કાર્ય વેગમાં ચાલી રહ્યું છે તે ત્રણ ગામોમાં ક્રમશ: હનુમાનજી મંદિર  અને રામદેવ પીર મહારાજના મંદિરની પાયાવિધિ  કરવામાં આવી હતી. ગોરેવાલી (રામકૃષ્ણ નગર)માં દાતા પરિવાર બિંદુબેન પટેલ તથા અમિત જયંતભાઈ ભંડેરી (રામપર વેકરા હાલે લંડન) વતી આર.એસ.એસ.ના પ્રાંત કાર્યવાહ  મહેશભાઈ ઓઝા, ભિટારા (માધવ નગર) માં સ્વ. હરિભાઈ મૂરજીભાઇ હાલાઈ પરિવાર (માધાપર હાલે લંડન) વતી જાદવજીભાઈ હાલાઈ, લુણા(કેશવ નગર)માં  મૂળજીભાઇ લાલજીભાઈ પિંડોરિયા પરિવાર(કેરા હાલે કેન્યા) વતી ટ્રસ્ટી ગાવિંદભાઈ ખોખાણી અને ભુજ મતવિસ્તારના ધારાસભ્ય  ડૉ. નીમાબેન આચાર્યના  હસ્તે પાયાવિધિની પૂજા કરવામાં આવી હતી. સાથે ડો. આચાર્યે ત્રણે ગામોમાં અન્ય માળખાકીય સવલતો સરકાર દ્વારા પૂર્ણ કરવાની ને આગળના વિકાસ કાર્યમાં દરેક પ્રકારના સહયોગની ખાત્રી આપી હતી. સાથેજ આ કાર્યમાં ત્રણે ગામોના સરપંચોનો પણ યથાસંભવ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે. મંદિર પાયાવિધિની પૂજામાં દાતાઓ સાથે ત્રણે ગામના સ્થાનિક લોકો સપરિવાર જોડાયા હતા અને સૌ ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.  કાર્યક્રમમાં  હરિભાઈ આહીર (ઢોરી), સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ છાંગા (કુનરિયા), સેવા સાધનાના ટ્રસ્ટી નારાણભાઈ વેલાણી, જયંતીભાઈ નાથાણી, મેઘજીભાઈ હીરાણી, દામજીભાઈ જાટિયા, શાંતિલાલભાઈ ઠક્કર, વિભાગ પ્રચારક કૃણાલભાઈ રૂપાપરા, વીરાભાઈ મારવાડા, બીજલભાઈ મારવાડા વગેરે જોડાયા હતા. પૂજાવિધિ દીપેશભાઈ ત્રિપાઠી, વિપુલભાઇ દવે (માનકૂવા) તથા હાર્દિકભાઈ રાજગોરે સ્વખર્ચે કરી આપી હતી. આભારવિધિ ગોરેવાલીમાં કરસનભાઈ કોલી, ભિટારામાં લિયારભાઈ કોલી અને લુણામાં રમુડીબાઈ કોલીએ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer