ડીપીટીની કંડલા સ્થિત વસાહતના 20 વરસાદી નાળાંની થઈ સફાઈ

ડીપીટીની કંડલા સ્થિત વસાહતના 20 વરસાદી નાળાંની થઈ સફાઈ
ગાંધીધામ, તા. 28 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની કંડલા સ્થિત વસાહતના 20 જેટલાં વરસાદી નાળાંની ચોમાસા પહેલાં પ્રશાસને સફાઈ હાથ ધરી હતી. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે આગોતરું આયોજન કરાયું હતું. ડીપીટીના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ચોમાસું નજીક હોવાથી હાલના કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ નાળાં સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. ચોમાસાની આગોતરી તૈયારીના ભાગરૂપે સાત ટ્રેક્ટર અને બે જેસીબીની મદદથી આ કામ હાથમાં લેવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે જ અંજારમાં પ્રાંત અધિકારીએ પ્રિમોન્સૂન કામગીરી માટે વિવિધ તંત્રોની બેઠક યોજીને પૂર્વ તૈયારીરૂપે નાળાં સફાઈની કામગીરી ઉપર ભાર મૂક્યો હતો. બીજીબાજુ ડીપીટી પ્રશાસને લગભગ 20 જેટલાં વરસાદી નાળાંની સફાઈની કામગીરી ગઈકાલે જ સંપન્ન કરી હતી. કોરોના સંક્રમણના ભય વચ્ચે ડીપીટી પ્રશાસને આઠ શ્રમિકોને કામે લગાડીને વરસાદી નાળામાં જમાં થયેલો સૂકો તથા ભીનો કચરો બહાર કાઢ્યો હતો.  વરસાદ આવે ત્યારે પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે સુનિશ્ચિત કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer