ભુજના હિના પાર્ક-ચાર ખાતે નગરસેવક તથા સફાઇ કામદારોનું સન્માન

ભુજના હિના પાર્ક-ચાર ખાતે નગરસેવક તથા સફાઇ કામદારોનું સન્માન
ભુજ, તા. 28: કોરોના મહામારી વચ્ચે જીવના જોખમે સફાઇનું કામ કરનારા વોર્ડર-સફાઇ   કામદારોનું શહેરના હિના પાર્ક-ચાર ખાતે સન્માન કરવા સાથે મીઠાઇનું વિતરણ કરાયું હતું. ઉપરાંત આ વિસ્તારમાં રમજાન માસમાં જ નવી પાણીની લાઇન નખાવી આપવા બદલ નગરસેવકને રહેવાસીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. ભુજના વોર્ડ નં. બેમાં આવેલા હિના પાર્ક-ચારમાં પ્રમુખ રમજુભાઇ મમણની ઉપસ્થિતિમાં રહેવાસીઓ દ્વારા ઇદના દિવસે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રહેવાસીઓની પાણીની સમસ્યા હલ કરવા નગરસેવક કાસમભાઇ કુંભાર (ધાલાભાઇ)ના પ્રયત્નોને પગલે સુધરાઇ દ્વારા નવી લાઇન નાખી અપાતાં તેમનું રહેવાસીઓ દ્વારા સન્માન કરાયું હતું. ઉપરાંત કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સફાઇ કામ કરી વિસ્તારોને સ્વચ્છ રાખવા બદલ રહેવાસીઓ દ્વારા વોર્ડ નં. 3ના વોર્ડર દાઉદભાઇ તથા સફાઇ કામદારોને ફૂલ છાંટી, હાર પહેરાવી સન્માનિત કરાયા હતા. તો, નગરસેવક કાસમભાઇ કુંભારે પણ 24 જેટલા સફાઇ કામદારોની સેવા બિરદાવી મીઠાઇ રૂપે શુભેચ્છા પાઠવી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer