ખુડીવાળા શંકરધામને સાંકળતો માર્ગ ડામરથી મઢાતાં આનંદ

ખુડીવાળા શંકરધામને સાંકળતો માર્ગ ડામરથી મઢાતાં આનંદ
નિરોણા (તા. નખત્રાણા), તા. 28 : પાવરપટ્ટીમાં બિબ્બરથી આગળ ભુજ-નખત્રાણા હાઇવેની દક્ષિણે ડુંગરાળ પ્રદેશ વચ્ચે આવેલ ખુડીવાળા શંકરધામ સુધી ડામર રોડ બની જતાં ભાવિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. બિબ્બર નજીક પર્વતીય પ્રદેશના જાબરીવાળા વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્યના સાંનિધ્યમાં આવેલા ખુડીવાળા શંકરધામનો છેલ્લાં બે-અઢી દાયકાથી ભારે વિકાસ થયા પછી કચ્છભરમાંથી ભાવિકોની ભારે ભીડ ઊમટે છે. છેલ્લા ત્રણેક વર્ષોથી અહીં સુધી વીજ સુવિધા પહોંચ્યાં પછી અનેક ભૌતિક સુવિધા ઊભી થઇ છે. ભાવિકોના સત્સંગ માટે વિશાળ શેડ, રાત્રિ રોકાણ માટે હોલ, બાગ-બગીચા, ક્રિડાંગણ  સહિત સવલતો બન્યાં બાદ ખાસ કરીને શ્રાવણના સમગ્ર મહિનામાં ભક્તોની ભારે ભીડ જામે છે. ખુડીવાળા શંકરથી પાવરપટ્ટીના મુખ્ય માર્ગ સાથે જોડતો બે કિ.મી.નો રસ્તો ડુંગરાળ વિસ્તારને લઇ ભારે ઉબડ-ખાબડ વાળો હોઇ શ્રદ્ધાળુઓ ભારે પરેશાન બનતાં, તેમાં પણ ચોમાસાની મોસમમાં આ પર્વતીય માર્ગ આવાગમન માટે મુશ્કેલીરૂપ બન્યા પછી આ ધામના વિકાસ સમિતિના અગ્રણીઓ દયારામ જખુભાઇ ભાનુશાલી, શિવજી મૂળજી ભાનુશાલી, જગદીશ દેવજી ફુલિયા, શિવાનંદ રામજી ભાનુશાલી સહિત અબડાસાના પૂર્વ ધારાસભ્યને આ ધામ ખાતે રૂબરૂ બોલાવી રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત ફળીભૂત થતાં હાલ મુખ્ય રાજમાર્ગથી ધામ સુધી બે કિ.મી. ડામર રોડ બની ગયા પછી ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer