ઓનલાઇન ઓપન નૃત્ય સ્પર્ધામાં રાજ્યના સ્પર્ધકોએ હીર ઝળકાવ્યું

ઓનલાઇન ઓપન નૃત્ય સ્પર્ધામાં રાજ્યના સ્પર્ધકોએ હીર ઝળકાવ્યું
ભુજ, તા. 26 : લોકડાઉનના સમયગાળા દરમ્યાન ઘરમાં રહેલા બાળકો અને યુવાનોમાં છુપાયેલી નૃત્યની કળાને બહાર લાવવા સાથે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર અત્રેની નૃત્યપૂજા ડાન્સ એકેડેમી દ્વારા રાજયકક્ષાની ઓનલાઇન નૃત્ય સ્પર્ધા વિનામૂલ્યે યોજાઇ હતી. જેમાં રાજયના ત્રણથી 26 વર્ષના સ્પર્ધકોએ ભાગ લઇને પોતાનું હીર ઝળકાવ્યું હતું. કચ્છ ઉપરાંત ભાવનગર, રાજકોટ અને ઇન્દોર સહિતના સ્થળેથી સ્પર્ધકોએ તેમની નૃત્યકળાના વીડિયો રજૂ કર્યા હતા. એકેડેમી દ્વારા તેને પોતાની યુ ટયુબ ચેનલ ઉપર અપલોડ કરી તેમને પ્લેટફોર્મ અપાયું હતું. આ ઓનલાઇન સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને લોકડાઉન બાદ પુરસ્કૃત કરવામાં આવશે. આયોજક એકેડેમીના પૂજા ઠકકરે જણાવ્યું હતું કે સ્પર્ધા માટે વયના આધારે ત્રણથી બાર અને 13 થી 26 વર્ષના બે ગ્રુપ રખાયા હતા. આ બન્ને ગ્રુપમાં અનુક્રમે યેશા ઠકકર, સિદ્ધિ દાનીધરીયા અને અપેક્ષા આચાર્ય એકથી ત્રણ નંબરે અને બીજા ગ્રુપમાં દિયા ચૌહાન, જીયા ગોરસીયા અને ખુશી ઠકકર એકથી ત્રણ નંબરે વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકેની ભૂમિકા પૂજા ઠકકર, સારંગ દાવડા અને સુચિ ચોથાણીએ નિભાવી હતી. સંચાલન એકેડેમી વતી રાજ કાંતિભાઇ દાવડાએ કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer