ભુજમાં 4618 હેલ્થ કાર્ડનું વિતરણ

ભુજમાં 4618 હેલ્થ કાર્ડનું વિતરણ
ભુજ, તા. 28 : શહેરમાં ફેરિયા તથા રિક્ષા અને ટેક્ષી ચાલકોને હેલ્થ કાર્ડ કઢાવવા અંગેના જાહેરનામાંને પગલે ભુજ સુધરાઇ દ્વારા અત્યાર સુધી અંદાજે 4618 કાર્ડ ફાળવાયા હતા. હાલમાં સુધરાઇ દ્વારા ટાઉનહોલ ખાતે કાર્ડનું વિતરણ તેમજ રિન્યૂ કરવાની કામગીરી ધમધમી રહી છે.  કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર અલગ-અલગ પગલાં ભરી રહી છે ત્યારે લોકડાઉન વચ્ચે નાના ધંધાર્થીઓ વેપાર કરી શકે અને તેમની સાથે ગ્રાહક ચેપમુક્ત રહે તે માટે ભુજમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ આરોગ્ય કેન્દ્રમાં તપાસણી કરી હેલ્થ કાર્ડ ફાળવણી શરૂ કરાઇ હતી. પોલીસ દ્વારા પણ જેમના પાસે કાર્ડ ન હોય તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાતાં કાર્ડ ઇચ્છુકો ઊમટી પડયા હતા. અગાઉ વ્યામશાળા અર્બન હેલ્થ સેન્ટર, વાણિયાવાડ હેલ્થ સેન્ટર અને રાજેન્દ્રનગર પાસે અર્બન હેલ્થ સેન્ટર ઉપર ધંધાર્થીઓ મેડિકલ ચેકઅપ કરાવા જતા હતા પરંતુ સતત ભીડ અને ધંધાર્થીઓને માટે છાંયડા, પાણી અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા ત્રણેય અર્બન હેલ્થ સેન્ટર સાથે મિટિંગ યોજી ધંધાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ક્રીનિંગ કાર્ડ ટાઉનહોલ ખાતે કાઢવાનું અને રિન્યૂ કરવાનું નક્કી કરાયું હતું. ટાઉનહોલ ખાતે વાતાનુકૂલિત વાતવરણમાં તેમજ ઠંડાં પાણીની સુવિધા, શૌચાલય સુવિધા સાથે ઉપરાંત સામાજિક અંતર રાખીને આજ દિન સુધી કુલ 4689 જેટલા ધંધાર્થીઓએ હેલ્થ કાર્ડ કઢાવ્યા હતા અને 3200 જેટલા હેલ્થ કાર્ડ રિન્યૂ કરી અપાયા હતા. ઉપરોક્ત કામગીરી સુચારુ પાર પાડવા માટે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. વૈશાલીબેન ડાભી, સેનિટરી ઈન્સ્પેકટર શિવદત્તસિંહ ચૂડાસમા, મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર આકાશ જાની, શંભુભાઈ ચાડ, કલ્પેશભાઈ ચાડ, નિહારભાઈ ભાનુશાલી અને અર્બન હેલ્થ સેન્ટરના મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર દર્શનભાઈ, જયભાઈ ભાનુશાલી, મિતેશભાઈ, હારૂનભાઈ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. વિનોદ ગોર, સેનિટરી ઈન્સ્પેકટર અતુલ બાદરપુરિયા, મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર હૈદર ખલીફા, નીતિન ડાંગર, રમેશ ચાડ, વેલજી ચાડ, શૈલેશ ગાગલ, વાસીમભાઈ સમા ઉપરાંત ડો. ખુશ્બૂબેન ભાનુશાલીએ જહેમત ઉઠાવી હતી. એન.યુ.એલ.એમ. શાખાના ડિમ્પલ ત્રિવેદી, સમાજ સંગઠક મીનાબેન વણકર અને શિવાંગી ગોર, ટાઉનહોલમાં લાઈટ પાણીની વ્યવસ્થા ધ્રુવભાઈએ સંભાળી હતી. ધંધાર્થીઓની નોંધણીનું કાર્ય ટેકસ શાખાના અભિનવભાઈ, જયદીપ ઝાલાએ સંભાળી હતી. હજુ પણ ટાઉનહોલ ખાતે હેલ્થ કાર્ડ કાઢવાની અને રિન્યૂ કરવાની કામગીરી સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ અંગે ભુજ સુધરાઇ સ્થિત એનયુએલએમ શાખાના કિશોર શેખાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયા બાદ અત્યાર સુધી ભુજમાં શાકભાજી/ફ્રૂટના 1166, ડ્રાઇવર-2001, નાસ્તા અને પાણીપૂરીની લારીવાળા-93, ડિલિવરી બોય-146, કુરિયર-100, ન્યૂઝ પેપર-24, વિવિધ ફેરિયા-367, દૂધ વેચનાર-66, અન્ય 555 મળી કુલ 4618 લોકોને હેલ્થ કાર્ડ અપાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer