ચોમાસું નજીક છે, પણ દેશલસરમાં જળકુંભીનો રાક્ષસી ભરડો ન હટયો

ચોમાસું નજીક છે, પણ દેશલસરમાં જળકુંભીનો રાક્ષસી ભરડો ન હટયો
ભુજ, તા. 28 : શહેરના ભીડનાકા અને કાયમી ગટરના પાણીથી ભરેલું રહેતું રાજાશાહી વખતનું નિર્મિત દેશલસર તળાવમાં સાત-આઠ મહિના પહેલાં જળકુંભી નામની વેલ-વનસ્પતિ એકાએક ઊગી નીકળ્યા બાદ થોડા જ સમયમાં આખાય તળાવમાં બિનઉપયોગી અને ઢોરો પણ નથી ખાતા એ વેલે ભરડો લીધો છે. ગત ચોમાસા પછી શાસકપક્ષ અને વિરોધપક્ષ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આજુબાજુના રહેવાસીઓ, ધંધાદારીઓ અને નગરના જાગૃત નાગરિકોએ દેશલસર તળાવમાં શહેરના આવતા ગટરનાં પાણી અને ઊગી નીકળેલી જળકુંભીને દૂર કરવા લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકા સમક્ષ કરાયા બાદ ગટરનાં પાણી તળાવમાં આવતાં બંધ થઈ ગયા પણ વેલ હજુ પણ તળાવને ઘેરાવ કરીને પથરાયેલી છે. ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. કોરોના વાયરસ અને લોકડાઉનના લીધે નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ગોકળગતિએ ચાલુ છે ત્યારે સુધરાઈ ધારે તો જળસંચય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને પ્રથમ તળાવને સાફસફાઈ કરાવવા તરફ ધ્યાન આપવું જોઈએ એવી લોકમાગણી છે. હમીરસર તળાવ ભુજવાસીઓના હૃદયસ્થાનમાં અંકિત છે તો દેશલસર તળાવ પણ લોકોપયોગી બની શકે તેમ છે. જ્યારે જ્યારે ભુજમાં મેઘરાજાની કૃપા વરસે ત્યારે ત્યારે હમીરસર ઓગને અને તેને વાજતે-ગાજતે વધાવાય છે એ જ રીતે દેશલસર તળાવને પણ ઓગન્યા પછી શાત્રોક્ત વિધિથી વધાવવાની પરંપરા હજુ પણ ચાલુ છે. તો સુધરાઈ શા માટે દેશલસર તળાવના વિકાસમાં રસ નથી લેતી ? તે વાત લોકમાનસ પર ચર્ચાય છે. વરસાદના આગમન પૂર્વે તળાવની સાફસફાઈ કરવાની કામગીરી તાત્કાલિક શરૂ થાય તેવી લોકો માગણી કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer