ભારતની સર્વાંગી પ્રગતિમાં પંડિત નેહરુનું હતું અહમ્ યોગદાન

ભારતની સર્વાંગી પ્રગતિમાં પંડિત નેહરુનું હતું અહમ્ યોગદાન
ભુજ, તા. 28 : ભારતની સર્વાંગી પ્રગતિમાં પંડિત જવાહરલાલ નેહરુનું અહમ્ યોગદાન હતું તેવા દેશના પ્રથમ વડાપ્રધાનની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પતા વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. ભારત જ્યારે સોઈ પણ બનાવી શકતું નહતું ત્યારે મિસાઈલ અને અણુબોમ્બ બનાવવાની તથા ખેતીવાડીને આધુનિક કરવાનું સ્પપ્ન નેહરુજીએ  સેવ્યું હતું. આ પ્રસંગે ગનીભાઈ કુંભાર, જગદીભાઈ ઠક્કર, રઘુવીરસિંહ જાડેજા, રોબીનભાઈ શાહ, શક્તિસિંહ ચૌહાણ, ઈમરાન બ્રેર, ધીરજભાઈ રૂપાણી, અંજલિ ગોર વગેરે પંડિત જવાહરલાલ નેહરુજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમના કર્યોને યાદ કર્યા હતા.દેશની 68 વર્ષ જૂની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજ દ્વારા તેના આદ્ય સ્થાપક અને પ્રથમ પ્રધાનમંત્રી સ્વ. પંડિત જવાહરલાલ નેહરુની 56મી પુણ્યતિથિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગેનો એક સાદો કાર્યક્રમ અત્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં શાખાના કાર્યકારી પ્રમુખ અબ્દુલગફુર શેખ, સામાજિક કાર્યકર પ્રબોધ મુનવર તથા પંકજ કુરવા દ્વારા સ્વ. નેહરુને શ્રદ્ધાંજિલ આપવામાં આવી હતી.આ પ્રસંગે કોલીવાસના બાળકો અને મહિલાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કચ્છના લોકસભા/રાજ્યસભાના માજી સાંસદ સ્વ. ડો. મહિપતરાય મહેતાની 26મી પુણ્યતિથિ હોતાં તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારતના માજી વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નેહરુની અને કચ્છના માજી સાંસદ ડો. મહિપત મહેતાની પુણ્યતિથિની તેમજ કચ્છના રાજ્યસભાના માજી સાંસદ સ્વ. અનંતભાઈ દવેની જન્મજયંતી સત્યમ્ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઊજવાઈ હતી. સૌ પ્રથમ સ્વ. જવાહરલાલ નેહરુ તેમજ માજી સાંસદ ડો. મહિપત મહેતા અને અનંતભાઈ દવેની તસવીરને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા અલ્પહાર કરાવાયો હતો. દરમ્યાન ગાયોને ચારો, શ્વાનોને રોટલા, પંખીને ચણ પણ આપવામાં આવ્યા હતા. સાથે બાળકોને નર્મદાબેન ગામોટ દ્વારા રમકડાં આપવામાં આવ્યાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer