સાત પોઝિટિવ કેસ અને વધુ એક મોતથી કચ્છ ચિંતિત

ભુજ, તા. 28 : કચ્છમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ ગઇકાલે દરશડીના પ્રૌઢના અવસાન બાદ આજે  તેમના પરિવારજનોના લેવાયેલાં સેમ્પલમાં ચાર જણના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાપરના પ્રસૂતાએ રિપોર્ટ આવે તે પહેલાં દમ તોડયો હતો. તેમના ડેથ ઓડિટની પ્રક્રિયા બાદ કોરોનાગ્રસ્ત મહિલાનું મૃત્યુ પ્રસૂતિ દરમ્યાન થયું હોવાનું ગણાવાયું છે. તો મૂળ સામખિયાળી હાલે રાપરના અન્ય એક મહિલા અને ભદ્રેશ્વરના યુવાન કોરોના સંક્રમણનો ભોગ બનતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. ગઇકાલ સુધી કોરોના પોઝિટિવના 68નો આંક આજે એકસામટા સાત કેસ વધતાં 75 થઇ ગયો છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ અદાણી મેડિકલ કોલેજ?ખાતેની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા  કોરોના શંકાસ્પદોના સેમ્પલોના પષરીક્ષણના આવેલા પોઝિટિવ રિપોર્ટને ટાંકીને આપેલી વિગતો મુજબ  ઘાટકોપરથી 12મી મેના દરશડી આવેલા 16 પરિવારજનોમાંથી 52 વર્ષીય ઇશ્વરલાલ પટેલની તબિયત લથડતાં ગત રાત્રે જી.કે.માં તેમણે દમ તોડયો હતો. તો તેમના 51વર્ષીય પત્ની સહિતના પરિવારજનોમાં 22 વર્ષીય યુવાન તેમજ 37 અને 39 વર્ષીય પુરુષોને દાખલ કરાયા છે. તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની તબિયત સ્થિર બતાવાઇ છે.મુંદરા તાલુકાના  પાવડિયારા-ભદ્રેશ્વરના 17 વર્ષીય યુવાનની હિસ્ટ્રી મુંબઇની છે. રાપરના વાઘેલાવાસના 68 વર્ષીય પ્રૌઢાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાપરના 27 વર્ષીય મહિલા તા. 27ના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ થયાં હતાં. તેમને ગર્ભાશયમાં ગર્ભનું મૃત્યું થયા બાદ તકલીફ હતી.  તા. 28/5ના પરોઢે 5.11 વાગ્યાના અરસામાં  તેમનું મૃત્યુ થયું હતું. તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક માહિતી મુજબ તેમનું મૃત્યુ ગાયનેકોલોજિક કારણોસર થયું છે. હાલે  સરકારની  માર્ગદર્શિકા મુજબ નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટની પ્રક્રિયા ચાલુ છે. આમ તબીબી રિપોર્ટ બાદ મૃત્યુનું ખરું કારણ જાણી શકાશે. તેમને કોરોના ક્યાંથી થયો તે અંગે પણ?ત્યારબાદ જ વિગતો જાહેર થશે. ગત તા. 26ના માંડવી અને મુંદરા તાલુકાની બે વ્યકિતને  અને તા. 27ના માંડવી અને અબડાસાના બે પોઝિટિવ કેસ બાદ આજે ત્રીજા દિવસે કેસની સંખ્યા વધીને સાત થઇ છે. 24 કલાકમાં 5623 વ્યક્તિનું ક્રીનિંગ કરાયું કચ્છમાં જિલ્લા તંત્ર દ્વારા ગઇકાલ સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 5623 વ્યકિતઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 2,41,814 લોકોનું ક્રીનિંગ કરાયું છે.  જેમાંથી અત્યાર સુધીમાં કુલ 2443  જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયાં હતાં. અત્યાર સુધીમાં કુલ 2363 વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 44 એક્ટિવ પોઝિટિવ કેસ છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.  કુલ 18812 લોકો કવોરેન્ટાઇન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કચ્છ તેમજ આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ 18812 લોકોને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 2213 જેટલી વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવી છે. કુલ 18812માંથી 16599 વ્યકિતોઓને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવી છે. કુલ 32389 વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન કરાઈ હતી, જેમાંથી 15790 વ્યકિતઓએ 14 દિવસનો કવોરેન્ટાઇન પીરિયડ પૂર્ણ કર્યો છે. વિવિધ હોસ્પિટલોમાં 304 જેટલા આઇસોલેશન વોર્ડમાં કુલ 208 શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી 154 ને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. 52 દર્દી એડમિટેડ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થામાં  2531 વ્યકિતઓને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવી છે, જેમાંથી 203 વ્યકિતઓને મુકત કરવામાં આવી છે. જેમાં હાલમાં 2213 વ્યકિતઓ કવોરેન્ટાઇનમાં છે. 33 પોઝિટિવ સારવાર હેઠળ ડીડીઓ શ્રી જોષીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આજના સાત સહિત કુલ્લ 75 કોરોના પોઝિટિવ કેસ થયા છે તેમાંથી 29ને રજા અપાઇ છે. 33 સારવાર હેઠળ છે. બેના મૃત્યુ થયા છે. આજે એક પ્રસૂતાનું મોત થયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer