સેનિટાઇઝેશનનો આગ્રહ સાચો હતો પણ કોરોનાગ્રસ્ત મૃતદેહ કલાકો રઝળ્યો

ભુજ, તા. 28 : ગતરાત્રે કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર પહેલાં સંકુલને સેનિટાઇઝેશન કરવાના આગ્રહને પગલે ચોકીદાર અને આરોગ્ય અધિકારી તથા સિવિલ સર્જન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મધરાત્રે પોલીસને પણ બોલાવવી પડી હતી. જો કે, બનાવનું મુખ્ય કારણ સંકુલ સેનિટાઇઝેશન  કરવાનું હતું અને રાત્રે 25-30 ફોન કરવા છતાં ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી નીતિન બોડાતે બનાવની ગંભીરતા ધ્યાને ન લઇ ફોન ન ઉપાડતાં સિવિલ સર્જન દ્વારા તેમના વિરુદ્ધ કલેકટરને ફરિયાદ કરી હોવાનું ચર્ચાય છે. ગઇકાલે દરશડીના વૃદ્ધનું કોરોના બીમારીને પગલે મૃત્યુ થતાં કચ્છમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. એ વચ્ચે મૃતકની રાત્રે  સ્વજનોની ગેરહાજરીમાં તંત્ર જ સ્વજન બનીને સ્વર્ગપ્રયાણધામે લઈ ગયું, પણ ત્યાં અંતિમવિધિ  દરમ્યાન શોક અને ચિંતાપ્રેરક બનાવની ગંભીરતાના લીરા  ઊડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહ સાથે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કન્નર તથા સિવિલ સર્જન શ્રી બૂચ ટીમ સાથે ખારીનદી ખાતે સ્વર્ગપ્રયાણધામ (ગેસ આધારિત સ્મશાન) પહોંચ્યા હતા.જ્યાં ચોકીદારે પ્રથમ સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ મૃતદેહ અંદર લાવવા તથા ક્રિયા પૂર્ણ થયે ફરી સેનિટાઇઝ કરવા આગ્રહ રાખ્યો હતો.  જો કે, ભુજ સુધરાઇની ટીમ પહોંચી ન હોવાથી સ્થળ પરથી જ જિલ્લા આરોગ્ય અધિકારી તથા સિવિલ સર્જન દ્વારા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી નીતિન બોડાતને અંદાજે પચ્ચીસથી ત્રીસ ફોન કરવા છતાં ઉપાડયો ન હતો. જેને કારણે બેથી અઢી કલાક મૃતદેહ રઝડયો હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન, સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોકીદાર ત્યાં જ રહે છે. ઉપરાંત ખારીનદીમાં મંદિર નિર્માણ માટે અનેક કામદારો પણ ત્યાં જ રહે છે. વળી જો અન્ય કોઇ મૃતદેહ આવે તો તેને લાવનારાને ચેપ ન લાગે તે માટે સેનિટાઇઝેશનનો આગ્રહ રખાયો હતો. જો કે, રાત્રે નરેશભાઇ પરમાર, નગરસેવક ભૌમિક વછરાજાની, મિલિનભાઇ વૈદ્ય સહિતે મધ્યસ્થી કરી સેનિટાઇઝેશન માટે નગરપાલિકાના સ્ટાફને બોલાવતાં વાત થાળે પડી હતી. અંતે રાત્રે તમામ ક્રિયા પૂર્ણ થયા બાદ સંકુલને સેનિટાઇઝ કરાયું હતું. ગઈકાલની ઘટના મુદ્દે કલેકટર સમક્ષ મુખ્ય અધિકારી નીતિન બોડાતની ફરિયાદ કરાઈ હોવાનું શ્રી બૂચે જણાવ્યું હતું.આ અંગે મુખ્ય અધિકારી શ્રી બોડાતનો સંપર્ક સાધતાં તેમણે કલેકટર સમક્ષ ફરિયાદથી અજાણતા દર્શાવી હતી. રાત્રે 12 વાગ્યા સુધી જાગતા હતા અને ટીમને ગોઠવી દીધી હતી. આજે ટ્રસ્ટીને બોલાવ્યા હતા અને ચોકીદારને છુટ્ટા કરાયા હોવાનું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer