સાત સમંદર પાર કમાવા ગયેલા અનેક કચ્છીઓની હાલત કફોડી

દેવેન્દ્ર વ્યાસ દ્વારા-  માંડવી, તા. 28 : કચ્છમાં મહત્વનું અર્થબળ મનાતી `મની ઓર્ડર ઇકોનોમી' ઉપર કોરોનાની વિઘાતક અસરો ધીમે પગલે વર્તાતાં આગામી સમય મસમોટો પડકાર ઊભો કરે તેવી વિગતો જાણવા મળી છે. અમેરિકી, યુરોપ, આફ્રિકાની સાથે સૌથી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવનારા અખાતી દેશોમાં રોજી રળતા કચ્છીઓ એક સાંધે ત્યાં તેર તૂટે એવા ભયના માહોલમાં મોટી સંખ્યામાં હમવતની શ્રમિકો, કામદારો, કારીગરોએ સ્વદેશ પરત ફરવાનું મન બનાવી લીધું હોવાના વાવડ મળ્યા છે. ચાર દાયકાઓઁથી પથારો જમાવેલી બાંધકામ કંપનીઓ આર્થિક સંકટના પરિણામે ચાર-ચાર મહિનાઓ લગી પગારો ચૂકવણા બાકી રાખવા મજબૂર બની હોવાથી હવાઇ યાત્રા ચાલુ થતાં વતનવાપસીની લાઇનો લાગશે એવો દાવો માહિતગાર વર્તુળોએ કર્યો હતો. આ વચ્ચે મસ્કતથી ગુજરાતી સમાજના સંસ્થાપક અને મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઇ ચોથાણીએ સલ્લનત ઓફ ઓમાન દ્વારા ભાંગ્યાના ભેરુ તરીકે વિશેષ માવજત લેવાતી હોવાની ધરપત દર્શાવી હતી. દરમ્યાન માસાંતે ઉડયન ભરનારી એરલાઇન્સમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ ગણતરીના સમયમાં `ફુલ' થઇ ગયું હોવાની માહિતી મળે છે. મોટાભાગના અખાતી દેશોએ સલામતીના પરિપેક્ષ્યમાં વહાણોની યાતાયાત પાબંધ કરતાં કચ્છના સાગર ખેડુઓની આજીવિકા સામે સવાલ સર્જાયા છે. `આભ ફાટે ત્યારે થીગડું ના લાગે' એ લોકોકિતને અહેસાસ `કોરોના'ના કહેરે વિશ્વને કરાવી દીધો છે. પેટનો ખાડો પૂરવા કચ્છીઓ દુનિયાભરમાં પથરાયા છે. પાનખરનાં પર્ણેની જેમ માનવ જિંદગી ખરી રહી હોય ત્યારે કોણ-કોને-કેવી રીતે ટેકે થાંભલા નસીબ કરાવે તેવી કરુણાંતિકા વચ્ચે કચ્છીઓ ઠેક ઠેકાણે સલવાયા છે. અમેરિકા- યુરેપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયન દેશો રોટલો રળવાની કર્મભૂમિ હોય એવા કચ્છી માડુ હજારોની સંખ્યામાં અખાતી દેશોમાંથી આજીવિકા મેળવી રહ્યા હેવાથી `કોરોનાએ મનીઓર્ડર ઇકોનોમીને મોટી જફા પહોંચાડી દીધી છે. એક અંદાઝ મુજબ દોઢેક લાખ જેટલી સંખ્યામાં ટુરિસ્ટ વિઝા-વિઝીટીંગ વિઝા સહિત આધારોમાં ભારતીય પ્રવાસીઓ અખાતી દેશોમાં અટવાઇ ગયા છે. ભારતીયોમાં 20-22 ટકા જેટલું પ્રમાણ કેરાલીઓનું હોવાથી કેરળ સરકારે જવાબદારી માથે લઇ અડધો ડઝન કરતાં વધારે વિમાનો મારફતે સગાર્ભાઓ, અતિ જરૂરતમંદોને વતન વાપસી કરાવવાનો નિર્ણય લીધો એવું જોખમ ઉઠાવવા મહારાષ્ટ્ર, ગુજરાત,  રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક જેવા અતિ સંક્રમિત રાજ્યો સો વિચાર કરે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં અમદાવાદ, સુરતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. પરંતુ આ શહેરો અતિ સંક્રમિત તરીકે `રેડ એરિયા'માં સમાવિષ્ટ છે. પર ભૂમિમાં રોજગારીમાં મોટું પ્રમાણ બાંધકામ મજદૂરી, ખેતીવાડી (ગાર્ડાનિંગ) સુપર માર્કેટ, ઓફિસ જોબ, સ્વવ્યવસાય, વહાણવટું વગેરેમાં હોવાથી કામધંધો ગુમાવનાર વતન વાપસી ઈચ્છે છે પરંતુ એરલાઈન્સ બંધ છે. કચ્છી કામદારો, મજૂરો, શ્રમિકે, ધંધાર્થીઓમાં મોટું પ્રમાણ આ કાંઠાળ પંથકનું છે.અત્રેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એકલી એન.આર.આઈ. શાખામાં દસેક હજાર કરતાં વધારે ખાતા ધારકો છે. સદર બ્રાન્ચમાં ચારસો પચાસ કરોડ જેટલી થાપણ છે. આ પૈકી પાંચમો ભાગ એકલા અખાતી દેશોમાંના ખાતાધારકો હોવાની જાણકારી છે. શહેર, પંથકમાં બધી બેંક શાખાઓમાં એકંદર 650થી 700 કરોડ જેટલી મૂડીને ધ્યાને લેતાં પરત ફરેલા કે કામધંધો ગુમાવેલાઓના ઈલાજે ઉક્ત થાપણો પર નજર નાખવા મજબૂર બને તો અર્થતંત્ર ઉપર અપૂર્વ રીતે દૂરંગામી અસરોનો ઈન્કાર થઈ શકે નહીં. એવી સંભાવના અખાતી દેશોમાં ઠરીઠામ માહિતગાર વર્તુળોએ દર્શાવી હતી. એક અંદાજ મુજબ આ તાલુકામાં દસેક હજાર કરતાં વધુ સંખ્યામાં શ્રમિકો-કામદારો અખાતી દેશોમાં રોજી રળી રહ્યા છે. `કોરોના'ના કાળચક્રે કેટલીક બાંધકામ કંપનીઓ, સાહસિકોની દશા બગાડતાં કામદારો (માણસો)ની છટણી આર્થિક તાળો સરભર કરવા પ્રાથમિકતા બની હોવાની દર્દનાક વ્યથા-કથાઓ સાંભળવા મળી હતી. ચાર દાયકાઓ જૂની ખમતીધર-કંપનીઓએ ચાર-ચાર મહિનાઓના પગારો ચૂકવવામાં લાચારી અનુભવતાં ઓશિયાળાઓ વતનવાપસીના કાગડોળે ઈંતજારમાં હોવાની માહિતી સામે આવી છે. આગામી સમયમાં આવો આંક વધુ ઊંચકાશે એવો ડર સતાવી રહ્યો છે. દુબઈ, બહેરીન, મસ્કત, સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, ઈરાન વિદેશ રોજગારી (આમદાની)ના પ્રમુખ અખાતી દેશો છે. પ્રાપ્ત વધુ જાણીકારી  પ્રમાણે ગુજરાતી વ્યવસાયકારો પાસેના કામદારો-શ્રમિકોને મોટેભાગે પગાર મળી રહે છે. પરંતુ 25-30 ટકા (કામચલાઉ ?) કાપ સાથે. આની સીધી અસર મનીઓર્ડર ઈકોનોમી ઉપર પડવાનું નકારી શકાય નહીં. આ વચ્ચે મસ્કત-કચ્છ વચ્ચેની મજબૂત કડીરૂપ મનાતા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ  અને મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ વી. ચોથાણીએ પ્રાકૃતિક પરિતાપ વચ્ચે પણ અંગત રીતે માવજત લેવાતી હોવાની ધરપત આપી હતી. તેઓએ દાવો કર્યો હતો કે મસ્કતના સુલતાને મંદિર-મસ્જિદ-ચર્ચ બંધ કરાવીને `સોશિયલ ગેધરિંગ'ને કડક રીતે અટકાવી દીધું છે. ઓમાન ખાતેના ભારતીય રાજદૂત મુનુ મહાવર, ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાન, મસ્કત ગુજરાતી સમાજ, મસ્કત ખાતેના મહાજનોના મોભી વેપારીઓ, દેશના વિવિધ પ્રાંતોની સંસ્થાઓ, સૂત્રધારો દ્વારા ભોગગ્રસ્તો માટે આહાર-વિહાર, રાશનકિટસ, દવાઓ, રાહત સામગ્રીઓ નસીબ કરાવાઇ રહ્યા છે. સખી દાતાઓએ ખુલ્લા દિલે દાન માટે હાથ?લંબાવ્યો હોવાનું દાખલારૂપ ગણાવાયું હતું. આગામી 30મીએ `વંદે ભારત' દ્વારા પ્રસ્થાન કરનારી એરલાઇનનું બુકિંગ થઇ ગયું છે. શ્રી ચોથાણીએ કરેલા દાવા મુજબ કોરોનાના કારણે કચ્છી મરણને શરણ થયો હોય તેવું બહાર આવ્યું નથી. આ દરમ્યાન અહીંના ખનિજ ઉદ્યોગપતિ અને કચ્છી વહાણવટી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ હાજી આમદભાઇ હાજી હસન જુણેજાએ કોરોનાને લીધે વહાણવટું વધુ મુશ્કેલભર્યા કાળમાં ધકેલાઇ?ગયું હોવાનો બળાપો આગળ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, કચ્છમાં મહત્ત્વની રોજગારીના માધ્યમ તરીકે દરિયાઇ?વેપાર હોવાથી રોજગારીની વિકટ?પરિસ્થિતિ નિર્માણ થઇ?છે. એક વેળાએ ચારેકસો વહાણો ધરાવતા આ શહેરમાં હવે આંકડો બે અંકે પહોંચી ગયો છે. 35-40 વહાણો ઉપર 1200 જેટલા પરિવારો અને 6000 વ્યક્તિ નિર્ભર હોવાથી હાલત કફોડી બની રહી છે. અહીંનું બારું મુડદાલ બનતાં (બનાવાતાં) મુંદરા બંદરેથી સરેરાશ પાંચથી સાત વહાણનું મૂવિંગ (યાતાયાત) રહેતું તે સામે દોઢેક મહિનાથી બધું ઠપ છે. 23-24 વહાણનો ભરાવો થઇ?ગયો છે. કહે છે કે હવે થોડી ચહલપહલ અનુભવાઇ રહી હોવા છતાં આગામી આ ક્ષેત્રે સમય ઘેરી સમસ્યા સર્જે તેવો અણસાર છે. દુબઇ?સિવાયના અખાતી બંદરો દરિયાઇ?યાતાયાત માટે લોકાઉટ છે. લાંગરેલાં વહાણો બહાર ધકેલી દેવાયાં છે અને નવું આગમન પાબંધ?છે. કચ્છમાં શેરીદીઠ જણ વિદેશી રોજી રળતો હોય ત્યારે અડધોઅડધ માનવશક્તિ (શ્રમિક) ઘટાડાની નોબત પારિવારિક અને સામાજિક અર્થતંત્ર?ઉપર વિઘાતક અસર કરશે એવા એંધાણ હોવાનું શ્રી જુણેજાએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer