લોકડાઉનમાં છૂટછાટો બાદ કેસ વધ્યા

ભુજ, તા. 28 : કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 22 માર્ચના જનતા કફર્યુના દિવસથી જ કચ્છમાં તબક્કાવાર મળેલી છૂટછાટો વચ્ચે લોકડાઉનની સ્થિતિ જારી રહી છે ત્યારે જેમાં સર્વાધિક છૂટછાટો મળી એ લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થતાંની સાથે જ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો ગ્રાફ ચિંતાજનક રીતે ઉછાળ્યો હોય તેમ 19મેથી લોકડાઉન-4 શરૂ થયું ત્યારથી લઇ અત્યાર સુધીના સમયગાળામા 44 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે લોકોના આ વૈશ્વિક મહામારીના કારણે મોત પણ નીપજ્યા છે. 21 માર્ચે લખપતના આશાલડીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયા બાદ તંત્ર મે સુધીના લોકડાઉનના બે તબક્કામાં માત્ર સાત પોઝિટિવ કેસ નોંધાતાં બે વાર તો આ જિલ્લો કોરોનામુક્ત બની ગયો હતો. ત્રીજા લોકડાઉનથી છૂટછાટો મળવાનું શરૂ થવા સાથે બહાર ગામથી પણ લોકોના કચ્છ આવાગમનને મંજૂરી અપાતાં ત્રીજા તબક્કામાં 274 અને એ પછીના હાલમાં જારી ચોથા તબક્કામાં 44 જેટલા મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે. આંકડાકીય વિશ્લેષણ કરીએ તો અત્યાર સુધી જિલ્લામાં નોંધાયેલા 75માંથી 68 કેસ 4 મેથી 28મે એટલે કે 24 દિવસના સમયગાળામાં નોંધાયા છે. કુલ્લ પોઝિટિવ કેસના 89 ટકા કેસ છૂટછાટો મળ્યા બાદ તેમાંય મુંબઇ સહિતના વિસ્તારોમાંથી લોકોના આવાગમન બાદ વધ્યા હોવાની બાબતને જાણકારો ચિંતાજનક ગણાવી રહ્યા છે, કેમ કે વર્તમાનમાં જે પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે,  તેની ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત બહારથી જ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. તો શહેરોની તુલનાએ પોઝિટિવ કેસનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં જ વધ્યું  છે. તાલુકાવાર જોવા જઇએ તો સૌથી વધુ 25 કેસ ભચાઉ તાલુકામાં છે તો નખત્રાણા તાલુકો એવો છે કે જેમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી. હવે જ્યારે લોકડાઉન-5માં મોટા પાયે છૂટછાટો આપવાની તૈયારી ચાલી રહી છે ત્યારે જે રીતે છૂટછાટો મળ્યા બાદ કેસો વધ્યા છે એ જોતાં જો સાવચેતીભર્યું વલણ તેમાંય ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતમાં હજુ જોઇએ તેવી ગંભીરતા નહીં દેખાડાય તો આગામી સમય કઠોર હોઇ શકવાનો અંદેશો વ્યક્ત કરાઇ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer