લોકડાઉનકાળમાં પણ કચ્છમાં વાહનોની `ગાડી'' પૂરપાટ

કેયૂર વૈદ્ય દ્વારા-  ભુજ, તા. 28 : કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે માર્ચના અંતિમ સપ્તાહથી જ દેશમાં લોકડાઉન જારી છે અને આર્થિક ગતિવિધિઓ ઠપ પડી છે. લોકોની અવર-જવર નિયંત્રિત છે. દેશની અર્થવ્યવસ્થાની ગતિ મંદ પડી છે ત્યારે કચ્છમાં વાહનોના ક્ષેત્રમાં ઊલટું ચિત્ર જોવા મળી રહ્યું છે એમ કહીએ તો સાવ ખોટું નહીં ગણાય. લોકડાઉનથી 30-40 દિવસના ગાળામાં જ જિલ્લાભરમાંથી 700 ઉપરાંતનાં નવાં દ્વિચક્રી અને 120 ઉપરાંતની કાર સહિતનાં વાહનોની નોંધણી આરટીઓના ચોપડે ચઢી હતી. જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ખાતે 22 માર્ચથી 30 એપ્રિલ 2020 સુધીમાં નાનાં-મોટાં મળીને કુલ 1069 વાહનોની નોંધણી કરવામાં આવી હતી. એક તરફ આર્થિક ગતિવિધિ આખા દેશમાં મંદ પડી ગઈ હતી ત્યારે પણ કચ્છીજનોએ વાહન ખરીદવામાં પાછીપાની કરી ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભલે આ ખરીદી જરૂરતવશ કરવામાં આવી હશે, પરંતુ વાહન નોંધણીનો ચોપડો કોરો રહ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પણ તમામ સરકારી કચેરીઓ ઓછા સ્ટાફ સાથે કાર્યરત હતી અને આરટીઓમાં પણ ઓછા સ્ટાફ સાથે ફેસલેસ કામગીરી જારી રાખવામાં આવી છે. આ દરમ્યાન, વાહન નોંધણીનું કાર્ય પણ જારી રહ્યું હતું. જે નવાં વાહનોની નોંધણી થઈ છે, તેમાં સૌથી વધુ સંખ્યા દ્વિચક્રીની છે. આમ પણ કચ્છમાં ખરીદાતા વાહનોમાં આ શ્રેણીનાં વાહનોની સંખ્યા પહેલેથી જ વધુ રહી છે. 22 માર્ચથી 30 એપ્રિલ સુધીના ગાળામાં 793 જેટલાં દ્વિચક્રી વાહનો આરટીઓના ચોપડે નોંધાયાં હતાં. જેનું ચલણ હવે નહિવત્ રહ્યું છે તે મોપેડની પણ નોંધણી પણ જોવા મળી હતી. કારની ખરીદી-નોંધણી પણ અટકી ન હતી. લોકડાઉનના સમયમાં પણ 129 જેટલી કારની નોંધણી થઈ હતી. લોકડાઉનના સમયમાં નિર્માણનાં સાધનો ધરાવતાં વાહનથી માંડી ક્રેન સાથેનાં વાહનો જ નહીં, ડમ્પર, ટ્રેક્ટર, મોટરકેબ, પેસેન્જર રિક્ષા સહિતનાં વાહનો પણ વાહનો માટે કુબેરના ચોપડા સમાન આરટીઓમાં નોંધાયાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer