જિલ્લા-તાલુકા મથકોએ વરસાદી કન્ટ્રોલરૂમ 1લી જૂનથી ધમધમશે

ભુજ, તા. 28 : કોરોનાની મહામારી વચ્ચે જ્યારે ચોમાસાના સત્તાવાર આગમનનો સમયગાળો નજીક આવી રહ્યો છે ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપ આગામી 1 જૂનથી જિલ્લા તાલુકા સ્તરે કન્ટ્રોલરૂમ કાર્યરત કરવાનો ધમધમાટ આરંભી દેવાયો છે, તદુપરાંત ચોમાસા પૂર્વે આગોતરા આયોજન સ્વરૂપ જે કાર્યો કરવાના થાય તેને પણ સમયસર નિપટાવી લેવાય તે પ્રકારની તાકીદ તમામ તંત્રોને કરી દેવામાં આવી છે. ડિઝાસ્ટર શાખામાંથી સત્તાવાર રીતે મળેલી માહિતી અનુસાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગનો કન્ટ્રોલરૂમ ભુજ ખાતે રાઉન્ડ ધી કલોક કાર્યરત છે જ પણ ચોમાસાને અનુલક્ષી અહીં વધારાનો સ્ટાફ મૂકવા સાથે તમામ તાલુકા મથકોએ વિશેષ મોન્સૂન કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત સિંચાઇ વિભાગ પીજીવીસીએલ, જિ. પચાયત તેમજ વિવિધ નગરપાલિકા, મામલતદાર કચેરીઓ, અન્ય સંલગ્ન વિભાગો દ્વારા પણ કન્ટ્રોલરૂમ કાર્યરત કરવા માટેની તજવીજ આદરાઈ છે. સામાન્ય રીતે આ તમામ કન્ટ્રોલરૂમ 1 જૂનથી શરૂ કરી દેવાના હોય છે પણ કચ્છમાં વરસાદનું આગમન થોડું મોડું થતું હોવાના લીધે અહીં મોટાભાગે 1 જૂન નહીં પણ જૂનના પ્રથમ પખવાડિયા સુધી કન્ટ્રોલરૂમ કાર્યરત કરી દેવાતા હોય છે. જિલ્લા તાલુકા સ્તરે નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓનું વિશેષ મહેકમ પણ મંજૂર કરવામાં આવતું હોય છે. આમ તો પ્રિ-મોન્સૂન કામગીરી મેના પ્રથમ અઠવાડિયામાં શરૂ થઇ જતી હેય છે. આ વખતે મોટાભાગનું તંત્ર કોરોના સંલગ્ન કામગીરીમાં પરોવાયેલું હોતાં આ વર્ષ પ્રિ-મોન્સૂન કામગીરી ચોમાસું નજીક આવીને ઊભું હોવા છતાં તેના નિર્ધારિત ક્રમ મુજબ પાટે ચડી શકી નથી. તો આ વખતે જો વાવાઝોડાં કે ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો રાહત બચાવ કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જાળવવું એ સહિતની બાબતો તંત્ર માટે પડકારજનક બની રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer