કોરોનાથી મોત અને વધુ ચાર પોઝિટિવ કેસથી દરશડી સ્તબ્ધ

દરશડી (તા. માંડવી), તા. 28 : મુંબઇથી અહીં આવેલા ઇશ્વરલાલ પટેલના ગઇકાલે કોરોનાથી થયેલા મૃત્યુ બાદ આજે તેમના પરિવારના ચાર જણના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય અને પોલીસ તંત્રે વધુ સક્રિય બની કાર્યવાહી આદરી હતી. પોઝિટિવ આવેલા આ ચાર જણ ઇશ્વરભાઇની તબિયત બગડતાં પ્રથમ દરશડી પીએચસી અને ત્યાર બાદ ભુજ લઇ ગયા હતા. આ પરિવારના કુલ્લ 16 જણ આવ્યા છે. અન્યને ગઇકાલે જ માંડવી ખાતે કવોરેન્ટાઇન કરાયા છે. આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે દરશડી ગામની મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું હતું. ગામના કન્ટેઈનમેન્ટમાં આવતા તમામ મકાનોને કવોરન્ટાઇન કરાયાં હતાં.દરશડી પ્રાથમિક આરોગ્યની ટીમે સવારથી કન્ટેઈનમેન્ટ ઝોનના લોકોની તપાસ કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. પાસવાન પણ હાજર રહ્યા હતા. સાંજે ડીવાયએસપી જે. એન. પંચાલે મુલાકાત લઇ આરોગ્ય, પોલીસ સ્ટાફ, સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય વગેરેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગામની તકેદારી રૂપે આ પરિવારને વસ્તુ પહોંચાડનારાને પણ હોમ કવોરેન્ટાઇન કરાયા છે. ગામમાં એક મોત સહિત પાંચ કોરોના કેસ થવાથી લોકોને ભય લાગવા માંડયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer