રાપર તાલુકાના કાંઠા વિસ્તારની તરસને તૃપ્ત કરતા માંડવીના ધારાસભ્ય

રાપર, તા. 28 : ઉનાળાની શરૂઆતમાં જ પાણી પાણીના પોકારથી ત્રસ્ત રાપર તાલુકામાં કોરોના કરતાં પણ વધારે મહત્ત્વનો હાલે પીવાના પાણીનો પ્રશ્ન બની ગયો છે. તાલુકાને બત્રીસથી પાંત્રીસ એમ.એલ.ડી. પાણીની જરૂર છે અને એનાથી અડધી માત્રામાં પણ  હાલે નથી મળી રહ્યું. હાલે જ્યારે કોરોનાના કારણે દરેક ગામમાં બહાર રાજ્યમાંથી આવેલા હમવતન લોકોની સંખ્યા પણ ખૂબ વધી જવા પામી છે. પાણી પાણી કરતા લોકો માટે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઈ દૈયાની આગેવાનીમાં રાપરથી પ્રતિનિધિ મંડળ માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને રૂબરૂ રજૂઆત માટે મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભચાઉ?નગરપાલિકા દ્વારા ઊભી થયેલી પ્રેરણાત્મક શાકમાર્કેટ બાબતે થયેલી વીડિયો કોન્ફરન્સમાં રાપર તાલુકાની વિશેષ જવાબદારી સંભાળવાની મુખ્યમંત્રીએ ભલામણ કરી એના પહેલાંથી જ રાપર તાલુકાના દરેક લોકલક્ષી પ્રશ્નોને અનેક વખત વિધાનસભા સુધી પહોંચાડી ચૂકેલા શ્રી જાડેજા દ્વારા આ પ્રશ્નને ગંભીરતાથી લઈને કાંઠા વિસ્તારની પાણીની સમસ્યાને ગાગોદર માણાબા પેટા કેનાલને વહેતી કરાવી. રાપર માટે નંદાસર કેનાલ તાત્કાલિક અસરથી ચાલુ કરાવવા ચક્રો ગતિમાન કરવા સાથે બુધવારે ભુજ ખાતે મળેલી કલેક્ટરની સંકલનની બેઠકમાં રાપર તાલુકાના ગામડાંઓમાં પીવાનાં પાણી બાબતના પ્રશ્નને ઉઠાવીને શ્રી જાડેજાએ લાગણી અને માગણીને પૂરતો ન્યાય આપવા પડઘો પાડયો હતો. આ રજૂઆત વખતે રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દૈયા સાથે ડોલરરાય ગોર, રાપર તા.પં.ના ઉપાધ્યક્ષ હમીરસિંહ સોઢા, રામજીભાઈ, તા.પં.ના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, રમેશભાઈ, તા.પં. સભ્ય રાજુભા જાડેજા, તા. ભાજપના મહામંત્રી કાનજીભાઈ પટેલ  અને  ભાજપના આગેવાનો જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer