ધાર્મિક સ્થાનો ખોલવાં હવે જરૂરી : પૂજારીઓ સંકટમાં

માધાપર, તા. 28 : વર્તમાન વૈશ્વિક સંકટે માણસની સંપૂર્ણ જીવનચર્યાને વિરામ આપી દીધો છે. કોરોનાએ લોકોને પોતાની જીવનશૈલી પણ બદલવાની ફરજ પાડી છે. કચ્છના મોટાભાગના જાણીતાં દેવસ્થાનો બંધ છે. નાના ગામડાંના મંદિરો પણ લોકડાઉનમાં બંધ છે ત્યારે દર્શનાર્થીઓની અવરજવર બંધ હોઈ શ્રદ્ધાળુઓનાં દાન-દક્ષિણા પર પોતાના જીવન નિર્વાહ ચલાવતા પૂજારીઓ આવક બંધ થતાં મુશ્કેલી સહન કરી રહ્યા છે.  સરકાર અનેક છૂટછાટ આપી રહેલી છે ત્યારે ધાર્મિક સ્થાનો ખુલ્લાં મૂકવાની મંજૂરી આપે તેવી માંગ કરી રહ્યા છે. ભુજના પરાં માધાપરના બધાં જ દેવમંદિરો છેલ્લા 60 દિવસથી સંપૂર્ણ બંધ છે. પરિણામે દરરોજ સવાર સાંજ દેવમંદિરમાં ભજન, કીર્તન, ધર્મસભા બંધ છે.શ્રદ્ધાળુઓ મંદિરમાં ભગવાન સન્મુખ જઈ દર્શન કરી શકતા નથી, તેથી ન છૂટકે બારી-દરવાજામાંથી દૂરથી દર્શન કરી સંતોષ માની લે છે. ઘણા ભાવિકો મંદિરોની બહારથી મંત્રજાપ સાથે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. ઉપરાંત દિવસ દરમ્યાન ઘરમાં જ રહી મંત્રલેખન કરી પ્રભુ સ્મરણમાં સમય પસાર કરે છે ત્યારે સ્થાનિક રઘુનાથજી તેમજ ધીંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી શ્રીરામનામ મંત્રલેખન ઝુંબેશમાં છેલ્લા બે માસમાં વધારો જોવા મળ્યો છે. રઘુનાથજી મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ ખોખાણીના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી ચાલતાં રામનામ મંત્ર લેખન કાર્યક્રમ સ્થાનિક દાતાઓ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખીમજીભાઈ વિશ્રામ, વેલજીભાઈ ભુડીયા, રામજી કાનજી હિરાણી તેમજ વિશ્રામ જાદવા ડબાસીયાના સહકારથી મંત્રલેખન બુક હરિદ્વારથી મંગાવી ભાવિકજનોને આપવામાં આવે છે. આ બુક પરત આવતાં રેલવે પાર્સલ દ્વારા રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષો અને અયોધ્યાના મહંત મહામંડલેશ્વર સ્વામી નૃત્યગોપાલાદાસજી દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સીતા રામનામ બેન્કમાં જમા કરવામાં આવે છે. જ્યાં સવાર સાંજ આ મંત્રલેખનની પૂજાઆરતી થાય છે. આ રામનામ મંત્ર લેખન બેન્કમાં સામાન્ય બેન્ક વ્યવહારની જેમ એકાઉન્ટ ખોલી, પાસબુક આપવામાં આવે છે. જેમાં વખતોવખત મંત્રલેખન બુક જમા કરાવી નોંધ કરાવવામાં આવે છે. રઘુનાથજી મંદિર માધાપર ટ્રસ્ટે આ બેન્કમાં છેલ્લા 3 વર્ષમાં 8 કરોડ 80 લાખ રામનામમંત્ર જમા કરાવેલા છે. કોરોનાને કારણે લોકો ઘરમાં જ રહેતાં મંત્ર લેખન કાર્યમાં શ્રદ્ધાળુઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા બે માસમાં સ્થાનિકના ભાવિકજનોએ 82 લાખ 50 હજાર મંત્રલેખન ટ્રસ્ટમાં જમા કરાવેલાં છે. મંત્રલેખન બુકની માંગ લોકોમાં વધી છે, પરંતુ પોસ્ટ, રેલવે વ્યવહાર બંધ છે તેથી મંત્રલેખન બુકો આવતી નથી તેમજ 1 કરોડ 68 લાખ મંત્રના પાર્સલ અયોધ્યા મોકલવા તૈયાર છે પરંતુ પોસ્ટ વ્યવહાર બંધ હોતાં શ્રદ્ધાળુઓ સાહિત્યના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિક શ્રદ્ધાળુ ભાવિકજનો ઉપરાંત કચ્છ અન્ય ગામો તેમજ વિદેશોમાં વસવાટ કરતા ભાવિકો આ મંત્રલેખન કાર્યનો લાભ લઈ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer