પાલારા જેલમાં ગટરની કુંડી અંદરથી પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવ્યો

ભુજ, તા. 28 : જિલ્લાના આ મુખ્ય મથકની ભાગોળે ખાવડા રોડ ઉપર કાર્યરત `ખાસ'નો દરજ્જો ધરાવતી પાલારા જેલની બેરેકમાંથી પ્રતિબંધિત દૂરવાણી ઉપકરણ મોબાઇલ ફોન બિનવારસુ મળી આવતાં આ અંગે જોરશોરથી છાનબીન આરંભાઇ છે. અજાણ્યા તહોમતદાર સામે વિધિવત ગુનો પણ દાખલ કરાવાયો છે. જેલ વિભાગના પોલીસ મહાનિર્દેશકની કચેરીની જડતી સ્કવોડના જેલર દેવશી રણમલ કરંગિયા સાથે સુબેદાર હિતેન્દ્ર પટેલ, હવાલદાર જયરામ દેસાઇ અને અરજણાસિંહ રાઠોડ તથા સિપાહી કેતન પટેલ, કાળુભાઇ ચૌધરી અને રણજિતજી ઠાકોરની ટુકડીએ પાલારા જેલમાં હાથ ધરેલી છાનબીનમાં આજે સવારે જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ વિશે લખાવાયેલી ફરિયાદ મુજબ પાલારા જેલના સર્કલ નં. 1, યાર્ડ 6 સ્થિત બેરેક નં. 1ના પ્રવેશવાના સ્થળ ખાતે જમણી બાજુએ આવેલી ગટરની ચેમ્બરમાંથી સેમસંગ કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. સુબેદાર હિતેન્દ્ર પટેલે જેલમાં જે પ્રતિબંધિત છે તેવું આ દૂરવાણી ઉપકરણ શોધી કાઢયું હતું.  બનાવ બાબતે જેલર શ્રી કરંગિયાએ અજ્ઞાત આરોપી સામે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કબ્જે કરાયેલા મોબાઇલ ફોનને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આ પરીક્ષણમાં આ ઉપકરણનો ઉપયોગ કોણે અને કયાં કર્યો તેના સહિતની વિગતો બહાર આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer