ભચાઉમાં નિયમોની લાપરવાહી ખતરા સમાન

મનસુખ ઠક્કર દ્વારા- ભચાઉ, તા. 28 : લોકડાઉન-4ના નિયમોના ભચાઉ વિસ્તારમાં લીરેલીરા ઊડે છે. સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખૂલી રાખવાને બદલે અડધો કે એકાદ કલાક વધુ સમય સુધી દુકાનો ખૂલી રહે છે. તો કેટલીક હોટલો પરોઢિયે જ ખૂલી જાય છે. ચા, ખાણી-પીણીની લારીઓ પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતાં આ બાબત ખતરા સમાન છે. અહીં લોકડાઉનના નિયમોની કોઇને કંઇ પડી જ નથી અને ધરાર ઘરની ધોરાજી ચાલે છે. ગંભીર વાત એ છે કે તાલુકાભરમાં ઊતરી પડેલું મુંબઇ વસતું વાગડ અહીં બજારમાં બેરોકટોક છે. ચાની લારી, શેરડીના સંચાવાળા, નાસ્તાવાળા ટેબલ-ખુરશી પર એક કરતાં વધારે લોકોને બેસાડી પીરસે છે. ખરેખર પાર્સલ બાંધીને ફટાફટ નીકળી જવાનું હોય છે. કેટલાક દુકાનદારોએ લોકડાઉનમાં વહીવટી તંત્રની `સેવા' કરી હોઇ તેનો ફાયદો હવે આ રીતે ઉઠાવે છે. નિયમો જળવાય, ન્યાય દરેક માટે એકસરખો હોવો ઘટે તેવું જાગૃતો અંગુલિનિર્દેશ કરી રહ્યા છે. લોકો દાબેલી, વડાપાઉં, ભેળ, સમોસા નિરાંતે બેસી કોલ્ડ્રિંક્સ સાથે આરોગે છે. બીજીતરફ મોંઘવારી પણ વધી છે. દાબેલીના ભાવ પણ દસમાંથી પંદર થયા છે તો ચાના કપમાં માંડ 50 મિ.ગ્રામ ચાયનું પ્રમાણ હશે અને 1 કટિંગના રૂા. 10 લે છે. રકાબીમાં ચાય નાખો તો અડધી ભરાય. ગરીબ, મધ્યમ વર્ગીય લાચાર છે. રીતસર વેપારમાં લૂંટ ચલાવાય છે. શેરડીના ગ્લાસમાં બરફનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. આવી દુકાનોમાં લાઇટ-પાણી કાયદેસર છે કે કેમ તે તપાસનો વિષય છે. સામાજિક ડિસ્ટન્સિંગ માટે સ્ટેશનરી, લાઇટની દુકાનોમાં દોરી બાંધે છે પરંતુ નાસ્તાની, ભેલપુરીની દુકાનોમાં ટેબલો પર ગ્રાહકો બિન્ધાસ્ત બેઠા હોય છે. હોટલોમાં બહાર ભરેલી રહેતી પાણીની ટાંકી ક્યારેય સાફ કરાતી કોઇએ જોઇ નથી. આવી ટાંકીના પાણી ચા-નાસ્તામાં વપરાય છે.ગુટકા, મસાલા, બીડીના દર હજુ મૂળ ભાવ કરતાં વધુ એટલે કે બમણા જ લેવાય છે. એના કારણમાં સ્કીમ કે ઉપરનું કમિશન ન મળતું હોવાનું જાણવા મળ્યું છે. તો રાત્રે કેટલાક ગલીના નાકે એક કરતાં વધુ પરિવારો સમૂહમાં બેસી ટોળટપ્પા મારતા હોય છે. 144મી કલમનો અહીં કોઇ જ ડર નથી. પરપ્રાંતીય ગરીબ મજૂરો કે જિલ્લા બહારના મજૂરો ગળા સુધી આવ્યા છે. મામલતદાર કચેરીએ ભુખ્યા-તરસ્યા લાઇનો લગાવી ઘરે ભાગવા માટે ઊભા હોય છે. તો કંપનીઓ મજૂરીકામ જે મજૂરો પાસેથી કરાવે છે આવા ગરીબ મજૂરો પ્રત્યે ઠેકેદારનું વલણ સારું નથી અને મોટાભાગના મજૂરોને પગાર પણ અપાયા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer