ટી-20 વર્લ્ડ કપ પર સસ્પેન્સ વધ્યું : હવે 10 જૂને ફેંસલો

નવી દિલ્હી, તા. 28 : ઓસ્ટ્રેલિયામાં ઓકટોબર-નવેમ્બરમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ રદ થશે કે નહીં તેના પરનું સસ્પેન્સ આઇસીસીએ વધાર્યું છે. કોરોના મહામારીને લીધે ઓસ્ટ્રેલિયામાં 16 ટીમ વચ્ચે રમનાર આ ટી-20 ટૂર્નામેન્ટ રદ થશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું અને આથી આઇપીએલના આયોજનનો રસ્તો સાફ થશે તેવા રિપોર્ટ હતા.  આ મુદ્દે આજે આઇસીસીના સદસ્ય દેશોની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ટી-20 વર્લ્ડ કપ રદ કરવો કે નહીં તેના પર કોઇ ફેંસલો લેવાયો ન હતો. હવે આઇસીસીની બેઠક 10 જૂને યોજાશે તેમાં ટી-20 વર્લ્ડ કપનું ભવિષ્ય નક્કી થશે. આથી આઇપીએલનો રસ્તો હાલ સાફ થયો નથી. રિપોર્ટ અનુસાર આઇસીસીની આજની બેઠકમાં પાકિસ્તાને આઇપીએલનો વિરોધ કર્યો હતો. આ પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે 2020નો ટી-20 વર્લ્ડ કપ બે વર્ષ માટે ટાળી દેવામાં આવશે. કારણ કે 2021માં ભારતની ધરતી પર ટી-20 વર્લ્ડ કપનું આયોજન થઇ ચૂકયું છે. આથી 2020ના ટી-20 વર્લ્ડ કપને 2022માં ખસેડવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer