માંડવીમાં વિરુદ્ધમાં લખવાના મામલે અખબારી પ્રતિનિધિને માર મરાયો

ભુજ, તા. 28 : માંડવી શહેરમાં અખબારમાં વિરુદ્ધમાં લખવા બાબતે કિન્નો રાખીને અખબારી પ્રતિનિધિ સુરેશગિરિ બેચરગિરિ ગોસ્વામી (ઉ.વ.54) ઉપર હુમલો કરીને તેમને માર મરાયો હોવાનો મામલો પોલીસમાં ફરિયાદના સ્વરૂપમાં નોંધાયો છે. માંડવીમાં છાપરાવાળી શેરીમાં રહેતા અને આઝાદ ચોક ખાતે દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં કચેરી ધરાવતા અખબારી પ્રતિનિધિ સુરેશગિરિ ગોસ્વામીએ આજે મધ્યાહ્ને તેમની સાથે બનેલી કહેવાતી હુમલાની આ ઘટના બાબતે ધારાશાત્રી ખેરાજ એન. રાગ તથા તેમની સાથેના બે અજ્ઞાત શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે બનાવના સમયે ત્રણેય આરોપી ફરિયાદીની કચેરીએ આવ્યા હતા. `તું તારા મનમાં શું સમજે છે અને અમારા વિરુદ્ધ કેમ લખે છે' તેમ કહી તહોમતદારોએ બોલાચાલી સાથે ગાળાગાળી કરી હતી. આ પછી સુરેશગિરિને તેની કચેરીમાંથી બહાર કાઢી રોડ ઉપર લઇ જઇ જાહેરમાર્ગ ઉપર ત્રણેય જણે તેમને માર માર્યો હતો. સાથેસાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઇ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ભોગ બનનારને તેના ભત્રીજા કલ્પેશ અને પુત્ર મુલયએ છોડાવ્યો હોવાની વિગતો પોલીસમાં લખાવાઇ છે. દરમ્યાન અત્રે ઉલ્લેખનીય છે કે જેમની સામે ગુનો દાખલ કરાવાયો છે તે ખેરાજ રાગ (ગઢવી) માંડવી બાર એસો.ના અધ્યક્ષ અને માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. દોઢેક વર્ષ પહેલાં પણ શ્રી ગઢવી અને શ્રી ગોસ્વામી વચ્ચે માથાકૂટ થઇ હતી. તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવાઇ ન હતી. તો આ સમયગાળા દરમ્યાન ધારાશાત્રીએ આ અખબારી પ્રતિનિધિ ઉપર માનહાનિનો દાવો પણ કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer