કચ્છમાં અકસ્માત-આપઘાતથી 3નાં મોત

ગાંધીધામ, તા. 28 : નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાં લગ્નગાળા દરમ્યાન સંતાનપ્રાપ્તિ ન થતાં શિરીનબેન કરીમ ખલીફા (ઉ.વ. 24)એ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ ગાંધીધામના શિણાયમાં ધનલક્ષ્મીબેન નીતિન વાઘમશી (ઉ.વ. 30) ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ વોંધ પાસે પડી જતાં અમરશી રાજા સાંચલા (ઉ.વ. 40)નું મોત થયું હતું. મોટી વિરાણી ગામમાં રહેનારા શિરીનબેન નામના યુવાન પરિણીતાએ આજે સવારે 11થી 11.30ના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાન પરિણીતાને પોતાના લગ્નગાળા દરમ્યાન સંતાનપ્રાપ્તિ ન થતાં તેને લાગી આવ્યું હતું. આજે આ મહિલા પોતાના ઘરે હતા ત્યારે ગળે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે આ અંગે ગુનો  નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ શિણાય વાડી વિસ્તારમાં રહેનારા ધનલક્ષ્મીબેને આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આપઘાત કરી લીધો હતો. સાડા છ વર્ષના લગ્નગાળામાં બે સંતાનના માતા એવા આ મહિલા આજે પોતાના ઘરે હતા ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મહિલાએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ અંજાર નાયબ પોલીસવડાએ હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ વોંધ નજીક બન્યો હતો. લાકડિયામાં રહેનારા શ્રમિક અમરશી સાંચલા વોંધ નજીક મજૂરીકામ કરી રહ્યા હતા. તેઓ ગઈકાલે બપોરે કામેથી પરત પગપાળા જઈ રહ્યા હતા તે દરમ્યાન આ યુવાનને કોઈ કારણે ચક્કર આવતાં નીચે પટકાયો હતો. જેમાં તેમના માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં આ યુવાનને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં આ યુવાને આંખો મીંચી લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer