`ભચાઉમાં માસૂમ પર બળાત્કાર જેવી ક્રૂર ઘટના ફરી ન બંને તે ખાસ જોજો''

ભુજ, તા. 28 : સપ્તાહ પૂર્વે ભચાઉ નજીક યશોદાનગરમાં સગીર વયની માસૂમ બાળા પર થયેલા બળાત્કારની ક્રૂર ઘટના સંદર્ભે આજે કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી અને આખો ઘટનાક્રમ સમજી પીડિત માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ કામના ગુનેગાર પકડાય અને આવી ઘટના કચ્છમાં ન બને તે માટે તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમે રૂબરૂમાં  મુલાકાત લીધી ત્યારે પ્રથમ દૃષ્ટિએ 4 વર્ષની બાળકીને જોઇને હૃદય હચમચી ગયું હતું. ભોગ બનનારી બાળકી અને તેના માતા-પિતાને મળી તમામ વિગતોને  સમજવાનો પ્રયત્ન કરીને કાઉન્સેલિંગ કર્યું હતું. બનાવ બન્યાથી લઇને અત્યાર સુધી પોલીસની કાર્યવાહીથી પણ માતા-પિતાને વાકેફ કરાયા હતા. તેમના કહેવા મુજબ પોલીસ ઝીણવટભરી તપાસ કરે?છે.  માતા-પિતા ખૂબ હતાશ હતા, જેથી કેએમવિએસના ડાયરેક્ટર અરુણાબેન ધોળકિયા, માલશ્રીબેન ગઢવી અને વનિતાબેન શેખાએ કાઉન્સેલિંગ કરીને આગળની કાનૂની ર્કાવાહી માટે સમજ આપી હતી.ઉપરાંત આર્થિક અને રાશનની પણ મદદ કરી હતી. આ ઘટના ખૂબ ગંભીર અને જઘન્ય છે, જેમાં ઝડપથી ગુનેગાર પકડાય અને કાનૂની કાર્યવાહી જલ્દી થાય તે બાબતે પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષિતા રાઠોડને રૂબરૂ મળી આવેદનપત્ર આપી આવી ઘટનાઓ કચ્છમાં ન બને તે માટે રજૂઆત કરી હતી. ઉપરાંત આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી સુધી પણ પહોંચાડાયું હતું. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા રાષ્ટ્રીય મહિલા આયોગને ઇમેઈલથી પણ કચ્છ મહિલા વિકાસ સંગઠને રજૂઆત કરી હોવાનું યાદીમાં જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer