આદિપુર-મુંદરામાં સાજા થયેલા દર્દીઓનું અભિવાદન

આદિપુર-મુંદરામાં સાજા થયેલા દર્દીઓનું અભિવાદન
ગાંધીધામ / મુંદરા, તા. 27 : કચ્છમાં કોરોના વાયસરના કેસમાં સતત ત્રણ દિવસ રાહત મળ્યા બાદ  ગઈકાલે બે અને આજે વધુ બે મળી ચાર કેસ નોંધાયા છે. બીજીબાજુ આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલમાં ત્રણ દિવસ પૂર્વે પ્રથમ 6 દર્દીઓને રજા અપાયા બાદ આજે  કોરોનાના વધુ સાત દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈથી  ટ્રેન મારફત આવેલા કચ્છના વતનીઓને સંસ્થાકીય કવોરેન્ટાઈનમાંથી પણ રજા આપવામાં આવી હતી, તો મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી બે પોઝિટિવ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. આ અંગે મળતી વિગતો મુજબ  આઈસીએમઆરની માર્ગદર્શિકા પ્રમાણે  હાલ સારવારમાં રહેલા 31 દર્દીઓ પૈકી સાત દર્દીઓને 10 દિવસ સુધી કોઈ પણ કોરોનાના લક્ષણ ન દેખાતાં આજે સવારે 11 વાગ્યે રજા આપવામાં આવી હતી. કાનજી કરશન ચાડ, ચંદ્રેશ ભીખુ પ્રજાપતિ, શાંતિલાલ મોમાયા, વરૂન બેચરભાઈ વાન, ભુરા પરબત ગામી, રાજાભાઈ હીરાભાઈ ડાંગર, અને મુકતાબેન મહાદેવભાઈ પટેલને રજાઆપવામાં આવી હતી.તમામ દર્દીઓ હોસ્પિટલથી બહાર આવ્યા ત્યારે ઉપસ્થિત અધિકારીઓ અને હોસ્પિટલના સ્ટાફે ફૂલ અને તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યા હતા. આ વેળાએ અંજારના પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરિયા, ડો.મોહિત ખત્રી, ડો.પાયલ કલ્યાણી, ડો.ભાવિન ઠક્કર, ડો.અંજુરાની, ડો.મોહનીસ ખત્રી, ડો. શ્રીવાસ્તવ, અને જે.પી.મહેશ્વરી હાજર રહ્યા હતા. ડો.કન્નરે તમામ દર્દીઓને ઘરે 28 દિવસ સુધી હોમ કવોરેન્ટાઈન રહેવા અને અલગ અલગ રહેવા, તેમજ સાવચેતી રાખવા  સલાહ આપી હતી.   હવે હરિઓમ હોસ્પિટલમાં કોરોનાના 24 દર્દીઓ સારવાર તળે રખાયા છે. દરમ્યાન મુંબઈથી ટ્રેન મારફત 600 જેટલા લોકોને શિણાય પોલીસ લાઈન ખાતે સંસ્થાકીય કવોરેન્ટાઈન કરાયા હતા તે તમામનો  આજે 7 દિવસનો સમય પૂરો થતાં રજા આપવામાં આવી હતી અને ઘરે વધુ 7 દિવસ કવોરેન્ટાઈન રહેવું પડશે. જુદી જુદી બસો મારફત તેમને  વતન ખાતે મોકલવામાં આવ્યા હતા.મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા, તેમને 10 દિવસના અંતે સ્વસ્થ થતાં તાળીઓના ગડગડાટ સાથે વિદાય અપાઇ હતી.તા.ના કપાયા હાઇવે સ્થિત એલાયન્સ હોસ્પિટલના તબીબ મગનભાઇ?ચૌધરીએ જણાવ્યું કે, 30 વર્ષીય કોડાયના નિશાંત ગૌતમ દિલ્હીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા હતા જ્યારે 45 વર્ષીય મસ્કાના મોતા મગનદાસ મુંબઇની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા હતા. હવે સંપૂર્ણ ઓક્સિજન ઉપર એક અને સમયાંતરે ઓક્સિજનની જરૂરિયાતવાળી એક ઉપરાંત અન્ય છ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે. આજે જિલ્લા વિકાસ અધિકારી ડો. કન્નર, તાલુકા હેલ્થ ઓફિસર ગિરિવર બારિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઇ?જાટિયા, તબીબો, પેરામેડિકલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer