વેગીલા વાયરાએ સર્જ્યો ધૂળિયો માહોલ

વેગીલા વાયરાએ સર્જ્યો ધૂળિયો માહોલ
ભુજ, તા. 27 : તાપ અને ઉકળાટના માહોલ વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનના લીધે ધૂળિયો માહોલ છવાઇ ગયો હતો. ખાસ કરીને સરહદી લખપત તાલુકાના નારાયણસરોવર - કોટેશ્વરમાં મિની વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવને સમગ્ર વિસ્તારમાં રજાવરણનો માહોલ સર્જી દીધો હતો. જિલ્લામાં સરેરાશ 15થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જિલ્લાના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન ગગડયું એની સામે ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવા રાપરમાં 43 તો ખાવડામાં 41 ડિગ્રી તો કંડલા (અ)માં 40.9, કંડલા પોર્ટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માંડવી-મુંદરા તેમજ નલિયામાં પારો મહદઅંશે અંકુશમાં રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં દક્ષિણ-પશ્ચિમ દિશાએથી સરેરાશ 16 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની ગતિ એક સમયે 20 કિલોમીટરને પાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મહત્તમ પારો 38.6 ડિગ્રી નોંધાતાં તાપમાંથી રાહત મળી પણ ભેજના વધેલા પ્રમાણે ઉકળાટ જારી રાખ્યો હતો.સરહદી લખપત તાલુકાના ના.સરોવર, કોટેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન એટલો તીવ્ર ગતિએ ફૂંકાયો કે સમગ્ર વિસ્તાર પર રજકણોનું આવરણ છવાઇ ગયું હતું. રણકાંધીના ખાવડા સહિતના વિસ્તારોમાં આવો જ ધૂળિયો માહોલ છવાયેલો રહ્યો હતો. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનાભાગરૂપે આ રીતનો પવન સામાન્ય રીત આ દિવસો દરમ્યાન ફૂંકાતો હોય છે. હાલમાં ભેજનું પ્રમાણ ઓછું હોતાં સૂકા પવનો રજકણો ઉડાવતા હોય છે. હજુ આગામી એક-બે દિવસ સુધી પવન આ જ રીતે વધુ તીવ્ર ગતિએ ફૂંકાતો રહેશે તેવી હવામાન વિભાગે સંભાવના દેખાડી છે.આ તરફ 5 દિવસના વર્તારામાં હવામાન વિભાગ દ્વારા ભાવનગરની સાથે કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer